પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

११८–जसमा ओडण

વિક્રમની બારમી સદીમાં ગુજરાત દેશમાં સિદ્ધરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો. અણહિલપુર પાટણમાં તેની રાજધાની હતી. સિદ્ધરાજ ઘણો પ્રતાપી અને વીર રાજા હતો. પ્રજાની ઉન્નતિ અને સુખને સારૂ એ સદા પ્રયત્નશીલ હતો. પોતાના પાટનગરમાં એક સારા જળાશયનો અભાવ જોઈ ને તેણે એક વિશાળ તળાવ બંધાવવા માંડ્યું હતું. એ તળાવ સહસ્ત્રલિંગ તળાવના નામથી પ્રસિદ્ધ છે. આ તળાવનાં અવશેષ આજે પણ પાટણમાં દૃષ્ટિગોચર થાય છે. આ તળાવ ઘણું જ વિશાળ અને ગોળાકૃતિ હશે, તથા તેની આસપાસ શિવાલય બાંધ્યાં હશે એમ તેના ‘સહસ્ત્રલિંગ’ નામ ઉપરથી અનુમાન થાય છે.

એ તળાવ ખોદવા માટે સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રાંતના ઓડ જાતિના કુશળ અને મજબૂત મજૂરોને બોલાવ્યા હતા. એ કામ ઉપર ઓડ જાતિનાં અનેક સ્ત્રીપુરુષ લાગેલાં હતાં. તળાવનું કામ તપાસવા સારૂ સિદ્ધરાજ ઘણી વખત સાંજને સમયે એ તળાવ ઉપર જઈ બેસતો. એક દિવસ એ બેઠો બેઠો મજૂરનું કામ તપાસી રહ્યો હતો એવામાં જસમા નામની એક ઓડણ ઉપર તેની દૃષ્ટિ પડી, ઓડ જાતિની એક સાધારણ મજૂરણ હોવા છતાં પણ જસમાનું સૌંદર્ય અપ્રતિમ હતું. એ ઘણી નાજુક અને ગૌર વર્ણની હતી. તેનું મુખ સુકોમળ અને નિર્મળ ચંદ્રમાના જેવું તેજસ્વી હતું. તેના કેશ લાંબા અને કાળા હતા, નેત્ર કમળના જેવાં હતાં, નાસિકા અણીદાર હતી; આખું અંગ ઘાટદાર હતું, તેનો હાવભાવ ચિત્તાકર્ષક હતો. આ બધાં કારણોને લીધે એ એક અપ્સરા સમાન જણાતી હતી અને આવું દૈવી સૌંદર્ય ઓડ જેવી જાતિમાં પરમાત્માએ શા સારૂ મૂક્યું હશે, એ સંબંધી ઘણાને આશ્ચર્ય લાગતું. ઓડ જાતિના વંશપરંપરાનો ધંધો ખાણમાંથી પથ્થરો

૨૩૪