પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
જસમા ઓડણ


ખોદવા તથા કૂવા, તળાવ વગેરે ખોદવાનો હતો. એવી જાતિમાં જન્મેલી જસમા ઓડણ કાંઈ ભણેલી ગણેલી નહોતી, એ તો વગર કહ્યેજ સૌ કોઈ સમજી શકે એમ છે; પરંતુ એ ઘણીજ સુશીલ, વિવેકી અને સદાચારી સ્ત્રી હતી. સૌંદર્યનું અભિમાન તેના મનમાં કદી પણ ઉત્પન્ન થતું નહોતું. એ સદા થોડું બોલતી, પણ તેની વાણીમાં એટલી મીઠાશ હતી કે સાંભળનાર તેના ઉપર મુગ્ધ થયા વગર રહે નહિ.

રાજા સિદ્ધરાજની દૃષ્ટિ જે વખતે જસમા ઉપર પડી તે સમયે જસમા માટીનો ટોપલો લઈને જતી હતી. કામ કરવાથી જસમાના આખા શરીર ઉપર માટી ચોંટી રહી હતી, છતાં પણ એ માટીના આવરણમાંથી પણ તેનું અસાધારણ સૌંદર્ય સ્પષ્ટ જણાઈ આવતું હતું. રાજાએ તેનું સુંદર મુખારવિંદ સ્પષ્ટ જોયું, તેના પ્રત્યેક અંગનો ઘાટ દેખ્યો, તેના આખા અંગની સુંદરતા અવલોકી; નખથી તે શિખા સુધી સિદ્ધરાજ એ ઓડણને જોતો જ રહ્યો. અનેક વાર તેણે તેના રૂપ અને યૌવનનું અવલોકન કર્યું, પણ તેની તૃપ્તિ થઈજ નહિ. જસમાની ઉંમર એ વખતે લગભગ અઢાર વર્ષ ની હતી. યૌવને પોતાનું સામ્રાજ્ય જસમા ઉપર પૂર્ણ રૂપે જમાવ્યું હતું. તેને જોતાં વારજ સિદ્ધરાજ પોતાનું રાજપદ ભૂલી ગયો. સિદ્ધરાજે પોતાનું હૃદય એ ઓડણ સુંદરીને સમર્પણ કરી દીધું અને નાતજાતનો જરા પણ વિચાર કર્યા વગર એ સુંદરીથી પોતાના રાજભવનને વિભૂષિત કરવાનો તેણે વિચાર કર્યો. રાજાએ ઈશારો કરીને જસમાને પોતાની તરફ બોલાવી, પણ જસમા તો પૂરી પતિવ્રતા હતી. એ પરપુરુષને ભાઈ સમાન ગણતી હતી. રાજાના ઈશારા ઉપર જરા પણ લક્ષ આપ્યા વગર એ તે પોતાનું કામ કરતી જ રહી. રાજાની તરફ તેણે દૃષ્ટિપાત પણ ન કર્યો.

સિદ્ધરાજ તો એજ દિવસે મિથ્યા પ્રેમના સાગરમાં ઊંડો ડૂબી ગયો હતો. તેને ખાવાપીવાનું ભાન રહ્યું નહોતું. રાજકાજમાં તેનું ચિત્ત ચોંટતું નહિ. ઉદાસ ચિત્તે એ મહેલમાં જઈને પલંગ ઉપર પડ્યો રહ્યો અને પડ્યે પડ્યે જસમાને પોતાના હાથમાં લેવાની યુક્તિઓ શોધવા લાગ્યો. વળી બીજે દિવસે એ પાછો તળાવ ઉપર ગયો અને એક મનુષ્યદ્વારા જસમાને કહેવરાવ્યું કે, “તારો પતિ બે હજાર ઓડોનો પટેલ છે, તું પટેલની સ્ત્રી છે, તારે માથા ઉપર ટોપલો ઊંચકીને કામ ન કરવું જોઈએ. તું એવા