પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
જસમા ઓડણ


 “બસ, બસ, મહારાજ ! ઘણું થયું. હવે મને ક્ષમા કરો. હું આપની વાતો સાંભળીને મારા કાનને અપવિત્ર કરવા નથી માગતી. તમને આવી ગેરવાજબી વાત કહેતાં શરમ નથી આવતી ? રાજાનો ધર્મ એજ છે કે? હુ પતિવ્રતા નારી છું અને આપની ઇચ્છા કદી પણ કબૂલ રાખી શકું એમ નથી. તમે પ્રજાના રક્ષક છો અને પ્રજાને બાળક સમાન ગણીને તેનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. તમે મારી આગળ મિથ્યા બકવાદ કરી રહ્યા છો. આપનું એમાં કાંઈ વળવાનું નથી. ચોરીમાં જે પુરુષનો હાથ મેં ઝાલ્યો છે તેને હું કદી છોડવાની નથી. કોઈ નજીવી વસ્તુ પણ કોઈને અર્પણ કરી દીધા પછી પાછી લઈ શકાતી નથી; તો આ દેહ કોઈને એક વાર સમર્પણ કર્યા પછી બીજા કોઈને કેવી રીતે આપી શકાય? હું સુખની ભૂખી નથી. મારે આપના મહેલના વૈભવ નથી જોઈતા. સૂકા રોટલા ખાઈને આખી જિંદગી ગાળવી પડે તેની મને પરવા નથી, પરંતુ હું મારા પતિથી એક ઘડીને માટે પણ વિખૂટી થવાની નથી. આ૫ મને વધારે આગ્રહ કરશો તો હું આપઘાત કરીને તમારે શિર સ્ત્રીહત્યાનું કલંક ચોંટાડીશ.”

રાજા નિરાશ થઈને મહેલમાં પાછા આવ્યો અને પોતાના દીવાનને બોલાવીને જસમા સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રકટ કરી તથા જસમા સાથે પોતાનું ચોકઠું બેસાડી આપે તો સારું ઈનામ આપવાની લાલચ પણ બતાવી; પરંતુ સિદ્ધરાજનો દીવાન સ્વાર્થી મનુષ્ય નહાતો. ઈનામની લાલચમાં ફસાઈને ગેરવાજબી અને નિંંદનીય કૃત્ય કરવા તૈયાર થઈ જાય એવો એ નહોતો. એ ઘણો જૂનો નોકર હતો તથા નીતિવાન, બુદ્ધિશાળી અને રાજકાજમાં પરમનિપુણ હતો. તેણે રાજાને ઘણું સમજાવ્યો તથા જસમાનો વિચાર છોડી દઈને કોઈ સારા ઘરની કન્યા સાથે વિવાહ કરવાની સલાહ આપી પણ કામાંધ રાજાને ગળે કોઈ પણ વાત ન ઊતરી.

પેલી તરફ જસમાએ પોતાના પતિની પાસે જઈને રાજાની અનીતિનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો અને જણાવ્યું કે, “અહીંયાં ઝાઝો વખત રહેવાથી મારી લાજ લૂંટાવાનો સંભવ છે માટે આપણે અહીંથી નાસી જવું જોઈએ.” એ સલાહ મુજબ જસમાનો પતિ તેને લઈને પાછલી રાતે ઘોર અંધકારમાં પલાયન કરી ગયો. વહાણું વાતાંવારજ રાજને એ વાતની ખબર પડી એટલે એ કેટલાક સવારોને લઇને જસમાને પકડી આણવા સારૂ ચાલ્યો.