પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જસમા અને તેનો પતિ થોડે દૂર ગયાં હતાં એટલામાં રાજાના સવારોએ તેમને પકડી પાડ્યાં, જસમાની સાથે તેમની નાતના બીજા પણ અનેક ઓડ હતા. ઓડ લોકો અને રાજાના સવારો વચ્ચે સારી ઝપાઝપી ચાલી. એ લડાઈમાં ઘણા ઓડ મરી ગયા. આખરે જસમાના પતિને પણ એક સખ્ત ફટકો લાગ્યો અને તેને બચવાની આશા ન રહી. પતિનો મરણકાળ સમીપ આવેલો જોઈને જસમાએ પણ પોતાની છાતીમાં ખંજર ભોંકી દીધું તથા ક્રોધ કરીને રાજાને કહ્યું: “દુષ્ટ ! હું તો પતિના પહેલાં જ મરણ પામીને સ્વર્ગલોકમાં જાઉં છું. એક ક્ષણ પછી મારા નાથ પણ સ્વર્ગમાં મને આવી મળશે, એટલે હું તો ત્યાં એમની સાથે અખંડ સુખ ભોગવીશ. મને તો તું કાંઈ પણ નુકસાન પહોંચાડી શક્યો નથી, પણ તને તો હું મરતી વખતે શાપ દેતી જાઉં છું કે તારાં આ સહસ્ત્રલિંગ તળાવમાં પાણી રહેશે નહિ.” આટલું કહીને સતી જસમાએ શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો.

જસમાના પતિવ્રત્યનો ભાસ આપનાર એક રાસડો ગુજારાતમાં પ્રચલિત છે, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ પ્રગટ કરેલા ‘રાસમાળા’ નામના અમૂલ્ય પુસ્તકમાંથી વાચક બહેનોના વિનોદ ને સારૂ અમે તેને નીચે ઉતારીએ છીએ.

(રાસડો)

રાજા બેઠો ભરી સભાએ, જાચક આવ્યા જાચવા;
સર્વે નારી ભણે રાજા–ટેક.
રાજા રે ! જસમાનું રૂપ, એ રે નારી તમ ઘર શોભતી; સર્વે○
રાજાએ મેલ્યા બારીગર બે ચાર, કે જાઓને જસમાને તેડવા. સર્વે○
ગાયો ચારતલ ભાઇ રે ગોવાળ, કે ક્યાંરે વાંસો આડાતણો ? સર્વે○
ખિરખરીઆરડી વાડ, કે ઘૂઘરિયાળો ઝાંપલો. સર્વે○
કાગળ દીધો જસમાને હાથ કે જસમાએ વાંચીને માથું ધૂણિયું. સર્વે○
જસમાએ દીધો સસરાને હાથ, સસરે વાંચીને માથું ધૂણિયું. સર્વેo
વહુ ! તારું રૂપ સુરૂપ, એણે રે રૂપે લાંછન લાગશે. સર્વે○
સસરા ! તું હઈડે મ હાર, નહિ રે ટળું જસમા ઓડણી, સર્વે○
જસમાને વારે છે બાપ, મ જાજો ધીઅડી રે ગઢ માંડવે. સર્વે○
ઘેલા બાપા ઘેલડું શું બોલ, એક વાર જાઉં ગઢ માંડવે, સર્વે○
હારો રે દળાવ્યા જસમાએ ઘઉં, કળશી દળાવ્યો જસમાએ બાજરો.
વિજયા દશમ કેરી રાત, ઓડોએ ઉચાળા ખડકીયા. સર્વે○