પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


 કોઈ ચિત્રકાર આવ્યો હતો; તેની પાસે આપ શ્રીમાનની છબી જઈને એ મુગ્ધ થઈ ગઈ છે અને કહેવા લાગી છે કે, ‘હું તો આ કર્ણરાજાનેજ પરણીશ.’ એ ચિત્ર જોતાંવારજ એ તો પ્રેમઘેલી થઈ ગઈ છે. એને ખાવા પીવાનું ભાન રહ્યું નથી, રાતદિવસ તમારૂં જ ધ્યાન ધરી રહી છે અને તમારી સાથે લગ્ન કરાવી આપવા ઈષ્ટદેવનું ધ્યાન ધરે છે. તેણે રાજા જયકેશીની પણ આ વિષયમાં સંમતિ મેળવી છે અને આપનો પોતાનો અંતરનો અભિલાષ જાણવા સારૂં મને અહીં મોકલ્યો છે. મહારાજ ! તમે અમારી રાજકુમારીની વિનતિ માન્ય રાખીને તેના પ્રેમાળ હૃદયને તૃપ્ત કરો.” રાજાએ ચિત્રકારની વિનતિ સ્વીકારી.

મયણલ્લદેવી પ્રસન્નચિત્તે અણહિલપુર આવી અને ત્યાં આગળ કર્ણ૨ાજા સાથે તેનાં યથાવિધિ લગ્ન થયાં; પરંતુ લગ્ન થયા પછી રાજા કર્ણે મયણલ્લદેવીને તૃપ્ત કરી નહિ. એમ કહેવાય છે કે મયણલ્લદેવીના સૌંદર્યની જેવી કલ્પના રાજાએ કરી હતી, તેવું સૌંદર્ય તેનું નીકળ્યું નહિ. અણહિલપુર આવ્યા પછી રાજાએ તેના પર લવલેશ પણ પ્રેમ બતાવ્યો નહિ. એક પણ દિવસ તેના તરફ પ્રેમથી દૃષ્ટિ કરી નહિ. મયણલ્લદેવીને બીજા અનેક પ્રકારનાં સુખ હતાં. ખાવાપીવાનું તથા રત્નાલંકારનું કાંઈ દુઃખ નહોતું; પરંતુ સ્ત્રીને આખી પૃથ્વીનું સામ્રાજ્ય મળે અને પતિના શુદ્ધ અંતઃકરણનો પ્રેમ ન મળે તો એ સામ્રાજ્ય પણ શા કામનું ? તેને મનથી આ સંસાર સૂનો થઈ ગયો હતો. ઘણી વખત તેને વિચાર આવતો કે આત્મઘાત કરીને આ હત્‌ભાગી જીવનનો અંત આણું; પરંતુ તેની સાસુએ તથા રાજ્યના વૃદ્ધ અમાત્યોએ સમજાવીને એવું સાહસ કરતાં અટકાવી રાખી.

એક દિવસ નમુંજલા નામની એક સુંદર નટી ઉપર રાજા કર્ણની દૃષ્ટિ પડી. તેના સૌંદર્યથી પ્રસન્ન થઈને રાજા તેના ઉપર આશક થઈ ગયો. તેણે એ નટડીને પોતાની પાસે બોલાવી લાવવાનો મંત્રીને હુકમ આપ્યો. આવો સરસ લાગ જોઈને મંત્રીએ રાણી મયણલ્લદેવીને નટીનો વેશ પહેરાવીને તથા નટીના જેવાં નાચનખરાં શીખવીને રાત્રીને સમયે રાજાના શયનગૃહમાં મોકલી. રાજા કર્ણે મયણલદેવીને નટી ધારીને તેની સાથે પ્રેમપૂર્વક ભોગવિલાસ કરીને કામની તૃપ્તિ કરી. રાણી મયણલ્લદેવી ઘણીજ ચતુર સ્ત્રી હતી. રખે આજની રાત્રીના સહવાસથી પોતાને ગર્ભ રહે