પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વૈધવ્ય દુઃખરૂપ થવાને બદલે ઊલટું તેના મહત્ત્વનું કારણભૂત થઈ પડશે.” આવા આવા વિચારોથી ભાસ્કરાચાર્યે ઘણી કાળજીપૂર્વક લીલાવતીને ગણિત અને જ્યોતિષશાસ્ત્રનું શિક્ષણ આપવું શરૂ કર્યું. એ વિદ્યાઓ ભણવામાં લીલાવતીએ પણ પોતાનું બધું મન પરોવ્યું. થોડા વખતમાં અંકગણિત અને બીજગણિતમાં એ ઘણી જ હોશિયાર થઈ ગઈ. (શાકે ૧૦૭૨, વિ. સં. ૧૨૦૭)

અંકગણિત, બીજગણિત અને જ્યોતિષશાસ્ત્ર સંબંધી ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણી’ નામનો એક મોટો ગ્રંથ રચ્યો. એ ગ્રંથના ગણિતવિભાગનો મોટો અંશ લીલાવતીનો રચેલો છે. અંકગણિતનું તો નામજ ભાસ્કરાચાર્યે લીલાવતી રાખ્યું છે. પિતા પ્રશ્ન પૂછે છે અને લીલાવતી તેનો ઉત્તર આપે છે; એ પ્રમાણે આખું પુસ્તક રચાયું છે. હિંદુગણિત સંબંધી લીલાવતીના નિયમો યૂરોપ વગેરે દેશમાં પણ પ્રસિદ્ધ છે. ત્યાંના ગણિત જાણનારા પંડિતો પણ પ્રાચીન હિંદુ વિધવાના અંકગણિત અને બીજગણિત સંબંધી નિયમોની પ્રશંસા કરે છે. સાંભળ્યા પ્રમાણે આઠસેં વર્ષો પૂર્વે આ દેશમાં, લીલાવતીએ ગણિત સંબંધી જે ગૂંચવાડાભરેલી સમસ્યાઓના ખુલાસા કર્યા છે, તે ખુલાસા યૂરોપના પંડિતો ફક્ત થોડા સમય પૂર્વે જ શોધી શક્યા છે.

જે ઇચ્છાથી ભાસ્કરાચાર્યે બાળવિધવા કન્યાને વિદ્યાનો શેખ લગાડ્યો તે ઈચ્છા તેમની પૂર્ણ થઈ. પતિપુત્ર સાથે ઘણીએ રમણીઓ સુખમાં સાંસારિક જીવન ગાળે છે, પણ કેટલી સ્ત્રીઓ લીલાવતીની પેઠે જગતમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવીને કીર્તિવતી થઈ શકી છે? યોગ્ય પિતાએ વિધવા બાળાને યોગ્ય વ્રતમાંજ નિમગ્ન કરી, તેને પરિણામે લીલાવતીનું વૈધવ્યજીવન ઘણું ઉચ્ચ નીવડ્યું અને જગતને એ વિદુષી સ્ત્રીના જ્ઞાનથી ઘણો લાભ પહોંચ્યો.

વહાલા આર્ય વાચકો ! તમારામાંથી ઘણાઓના ઘરમાં એવી અનેક બાળવિધવા કન્યાઓ છે. તમારા પ્રયત્નના અભાવે, તમારી ઇચ્છા અને લાગણીના અભાવે આ શૂન્ય સંસારમાં તેઓ શૂન્ય, નીરસ, નિરર્થક અને દારુણ દુ:ખ તથા નિરાશાભર્યું જીવન ગાળે છે. તમારા જ દેશમાં થઈ ગયેલા મહાવિદ્વાન ભાસ્કરાચાર્યે બેસાડેલા દાખલાનું અનુકરણ કરો. તમારી પોતાની પાસે એટલી અનુકૂળતા ન હોય, તો આપણા દેશવાસી બંધુઓ અને બહેનો-