પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
રુકિમણી વા રુખમાબાઈ



આશ્ચર્ય પામ્યો. સ્વામીએ તેને કહ્યું: “ચૈતન્ય ! તારા પૂર્વાશ્રમનો સાચો વૃત્તાંત કહી સંભળાવ, હું આલંદીથી આવું છું.” આલંદીનું નામ સાંભળતાંજ ચૈતન્યાશ્રમના હોશકોશ ઊડી ગયા અને તેણે પોતાનો ખરો વૃત્તાંત કહી સંભળાવ્યો તથા નમ્રતાપૂર્વક જણાવ્યું કે, “મારે સ્ત્રી છે એમ જાણીને આપ મને દીક્ષા નહિ આપો એ ભયથી મેં આપની આગળ અસત્ય કથન કર્યું છે. ગુરુદેવ ! મને ક્ષમા કરો.” સ્વામીએ ચૈતન્યાશ્રમને આશ્વાસન આપતાં કહ્યું: “બેટા ! તેં ઘણી મોટી ભૂલ કરી છે. આવી સુશીલ, પતિપરાયણ, સાધ્વી, તરુણ સ્ત્રીનો ત્યાગ કરનાર કદાપિ સંન્યસ્તનો અધિકારી બનતો નથી. એવી શુભ સંસ્કા૨વાળી પત્નીના સમાગમમાં રહીને પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. તું તારી પત્નીને પુનઃ ગ્રહણ કર. તારૂં એ કાર્ય સમાજના નિયમ વિરુદ્ધ ગણાશે. ન્યાતજાતવાળા તને દુઃખ દેશે, પણ તું કશાની દરકાર કરીશ નહિ. આ કાર્યમાં પ્રભુની સહાયતા છે. જા, ઘેર જઈને ગૃહસ્થાશ્રમમાં પુનઃ પ્રવેશ કર અને સ્વધર્માચરણ આચરીને સુખી થા.”

વિઠ્ઠલપંતને માટે આ ધર્મસંકટ હતું. એક વખત સંન્યાસી થયા પછી પુનઃ ગૃહસ્થાશ્રમ માંડવો એ આર્યભૂમિમાં અધમમાં અધમ કૃત્ય ગણાય છે, એ પોતે જાણતો હતો. એથી કરીને લોકનિંદા અને લોકયાતના કેટલી સહન કરવી પડશે તેનું પણ તેમને ભાન હતું. બીજી તરફ ગુરુવચન એ પ્રભુની આજ્ઞા સમાન છે. એનો અનાદર કરનાર નરકગામી થાય છે એમ પણ એ માનતો. આખરે બંને બાજુનો પૂરો વિચાર કર્યા બાદ ચૈતન્યાશ્રમ ગુરુવાક્યને માથે ચડાવીને પુનઃ સંસારી થયો. વિઠ્ઠલપંત અને રુખમાબાઈને લઈને સિદ્ધોપંત આલંદી આવ્યા.

દેશમાં આવ્યા પછી તેમના ઉપર નિંંદાનો વરસાદ વરસવા લાગ્યો. લોકો એ ધાર્મિક દંપતિ ઉપર અનેક પ્રકારના દોષારોપણ કરવા લાગ્યા. કોઈ વિઠ્ઠલપંતને વિષયલંપટ કહેવા લાગ્યા, તો કોઈ રુખમાબાઈને પતિને ઉન્નતશ્રૃંગ ઉપરથી ચલાવી લાવનારી વિલાસી સ્ત્રી કહેવા લાગ્યા. વિદ્વાનોનો ક્રોધ રામાનંદ સ્વામી ઉપર પણ ઊતરી પડ્યો, કેમકે એમણે શાસ્ત્રોની આજ્ઞા વિરૂદ્ધ વિઠ્ઠલપંતને સંસારમાં પડવાની સંમતિ આપી હતી. વિઠ્ઠલપંતનાં વૈરાગ્ય, ધૈર્ય, સમતા અને જ્ઞાનની પૂર્ણ કસોટીનો