પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
સંયુક્તા



જન્મ્યા. સંયુકતા એ કનોજના રાજા જયચંદની કન્યા હતી. તેનો જન્મ ઈ. સ. ૧૧૭૦ માં થયો હતો.

પુત્રહીન અનંગપાળ, મૃત્યુ સમયે દૌહિત્ર પૃથ્વીરાજને દિલ્હીનું રાજ્ય આપતો ગયો, એથી એનો મશિયાઈભાઈ જયચંદ અદેખાઈથી બળી જવા લાગ્યો. પૃથ્વીરાજને નુકસાન પહોંચાડવાનો એ લાગ શોધવા લાગ્યો.

મનુષ્યસ્વભાવ જોતાં આમાં નવાઈ જેવું કાંઈ નહોતું. જયચંદ અનંગપાળની મોટી પુત્રીનો પુત્ર હતો અને વયમાં પણ પૃથ્વીરાજ કરતાં મોટો હતો. એટલે બધી રીતે નાનો હોવા છતાં પૃથ્વીરાજને માતામહે દિલ્હીની ગાદીનો વારસ ઠરાવ્યો, એટલે જયચંદનો ઈર્ષ્યાનો અગ્નિ બળવા લાગે તેમાં દુનિયાની દૃષ્ટિએ અસ્વાભાવિક કાંઈજ નહોતું. પરંતુ અનંગપાળનો એમાં કાંઈ દોષ નહોતો. બન્ને દોહિત્ર ઉપર એને એકસરખો સ્નેહ હતો બન્નેને તેણે પોતાનીજ પાસે રાખીને લાડમાં ઉછેર્યા હતા. તેમને શિક્ષણ આપવાને તથા એમના સદ્‌ગુણોને ખીલવવાને પણ અનંગપાળે એકસરખો પ્રયાસ કર્યો હતો; પરંતુ પાંચ આંગળી સરખી હોતી નથી. એકસરખી કાળજી લેવા છતાં જયચંદ અને પૃથ્વીરાજમાં સમાન ગુણ ખીલી નીકળ્યા નહિ.

પૃથ્વીરાજ વયમાં નાનો હોવા છતાં પણ એણે સર્વ પ્રકારની વિદ્યામાં પારદર્શિતા મેળવી હતી. યુદ્ધવિદ્યામાં પણ કુશળ નીવડ્યો હતો અને ચારિત્ર્ય પણ તેનું ઘણું શુદ્ધ હતું. એ જેવો રૂપવાન, સાહસિક અને શક્તિશાળી હતો, તેવોજ ઉદાર, મહાન ક્ષમાશીલ અને મીઠાબોલો હતો. જયચંદ રૂપવાન હોવા છતાં પણ અહંકારી, બળવાન હોવા છતાં પણ ઉદ્ધત, સાહસિક હોવા છતાં પણ વિલાસી અને અત્યંત ખુશામતપ્રિય હતો. નાનપણથીજ પૃથ્વીરાજનું ધ્યાન માતામહની રાજનીતિને હૃદયમાં ઠસાવવા તરફ રહેતું. જયચંદ એ વિષય ઉપર જરાયે ધ્યાન આપતો નહિ.

એ ગુણોને લીધે પૃથ્વીરાજ આખા રાજ્યમાં બધાનો માનીતો થઈ પડ્યો હતો. જયચંદથી એ દેખી શકાતું નહિ. પૃથ્વીરાજનાં વખાણ સાંભળતાં જ એ બહુ દાઝે બળતો. પૃથ્વીરાજ એ જાણતો પણ હૃદયની ઉદારતાથી તેને ક્ષમા આપતો અને તેની