પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સાથે સદા સારોજ વ્યવહાર રાખતો.

વૃદ્ધ દાદા અનંગપાળ પણ બન્નેના સ્વભાવ પારખી શક્યા હતા. એમને એ વખતની ભારતની સ્થિતિનું ખરૂં ભાન થઈ ગયું હતું. એ સમજી શક્યા હતા કે પરદેશી મુસલમાનો ભારતભૂમિ જીતવાને તલસી રહ્યા હતા. એ જાણતા હતા કે મોટા દોહિત્ર દ્વારા દિલ્હીની ગાદીનો માનમરતબો સચવાશે નહિ. પૃથ્વીરાજ અને જયચંદ બન્ને ઉપર એમને સરખો સ્નેહ હતો, પણ પૃથ્વીરાજ નીતિ કુશળ હોવાથી ભારતના ભવિષ્યના કલ્યાણની ખાતર પોતાના વિશાળ રાજ્યના બે ટુકડા કરી નાખવાનું એમને યોગ્ય ન લાગ્યું. એમને ખાતરી હતી કે આ સમયમાં મહાપરાક્રમી પુરુષ સિવાય ભારતવર્ષનું રક્ષણ થવાનું નથી, માટે તેમણે જયચંદને કનોજનું રાજ્ય તથા અનેક મણિમુક્તા વારસામાં આપ્યાં અને પૃથ્વીરાજને દિલ્હીના રાજ્યનો વારસ ઠરાવ્યો.

આ બનાવથી બન્ને મશિયાઈભાઈનાં મન બહુજ ખાટાં થયાં. આ એક પ્રસંગથી ભારતમાં એવી મોટી આગ સળગી કે જેમાં ભારતનું ભાગ્ય ભસ્મીભૂત થઈ ગયું. ભારતવાસીઓને માથે પરાધીનતાનું કલંક એ પ્રસંગને પરિણામે ચોટ્યું.

જયચંદ પૃથ્વીરાજને શત્રુ સમજતો, પણ એના ઘરનાં બીજાં બધાં એને બહુ ચાહતાં.

પૃથ્વીરાજને સૌથી વધારે ચાહનારી અને તેનો પક્ષપાત કરનારી જયચંદની લાડકી કન્યા સંયુક્તા હતી.

સંયુક્તા અપૂર્વ સુંદરી હતી. તેને જોતાંજ જાણે તે સ્વર્ગલોકમાંથી ઊતરી આવેલી દેવકન્યા હોય એવો ભાસ થતો. વસંત ઋતુમાં વનલતા જેમ ફૂલના આભરણથી સજ્જ થાય છે, તેમ બાલિકા સંયુક્તાના દેહ ઉપર યૌવનની પરમ શોભા છવાઈ રહી હતી. એનાં નયનમાં લજ્જા હતી, ગાલ ઉપર સ્નિગ્ધ લાલાશ હતી, કટિમાં ક્ષીણતા અને ચાલમાં મંદતા હતી. જે સમયની અમે વાત કરીએ છીએ તે સમયે એ નહોતી તરુણી કે નહોતી બાલિકા. અર્ધ ખીલેલી કુસુમકલિકા સમી સંયુક્તા વડીલોને વહાલી હતી, આશ્રિતોનું પાલન કરનારી હતી, તેની સાથે પ્રસંગમાં આવનાર સાથે મીઠું પણ રીતસરજ બોલતી. દેવ અને બ્રાહ્મણો તરફ તેને ભક્તિભાવ હતો, ઊંચા પ્રકારનું જ્ઞાન તેણે