પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
સંયુક્તા



સંપાદન કર્યું હતું, લલિત કળાઓનો તેને શોખ હતો, સ્ત્રીજનોને શોભે એવી કોમળતા સહિત એના હૃદયમાં અપૂર્વ ક્ષાત્રતેજ વિરાજતું હતું. ઘોડેસવાર થવું, શસ્ત્ર ચલાવવાં વગેરે વીરવિદ્યામાં પણ એ ઘણી નિપુણ હતી.

બાલ્યાવસ્થાથીજ સંયુક્તાનું આકર્ષણ પૃથ્વીરાજ તરફ હતું. એ પણ એના સદ્‌ગુણ તથા સ્વભાવની મધુરતાથી એના ઉપર પ્રસન્ન હતો. પૃથ્વીરાજની પાસે બેસીને ઘણી વાર તેણે પ્રાચીન કાળના આર્યોની વીરતાની કથા સાંભળી હતી.

સંયુક્તા ધારતી કે પૃથ્વીરાજના જેવો પુરુષ આ દુનિયામાં બીજો કોઈ નથી. એ કોઈ શાપભ્રષ્ટ દેવતા છે. એના મુખમાંથી નીકળતો એકે એક શબ્દ એને મનથી વેદવાક્ય સરખો હતો. પૃથ્વીરાજનાં કોઇ વખાણ કરતું તો એ પ્રસન્ન થતી. એની નિંદા કરનારની સાથે લડવા તૈયાર થતી. આ પ્રમાણે કોઈ અદ્ભુત રીતે એનો પ્રેમ બાલ્યાવસ્થાથી જ પૃથ્વીરાજ તરફ ઢળ્યો હતો અને વયની વૃદ્ધિ સાથે એ પ્રેમ પણ વધતો જ ગયો હતો.

જયચંદને પૃથ્વીરાજ પ્રત્યે દ્વેષ છે તેની એ બાલિકાને ખબર નહોતી. ખબર હોય તો પણ એનું મહત્વ એ સમજી શકી નહોતી. એ તો મનમાં જ પોતાનો પ્રેમભાવ પોષતી જતી હતી.

અનંગપાળના મૃત્યુ પછી જયચંદ કનોજ જઈને વસ્યો.

એ પ્રાચીનકાળમાં ભારતવર્ષ ભિન્ન ભિન્ન રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. કોઈ રાજા વિશેષ પરાક્રમી નીવડતો તો બીજા રાજાઓ તેને મુખ્ય ગણીને માન આપતા અને એ રાજા પોતે ‘સમ્રાટ’ કે ‘સાર્વભૌમ’ ની ઉપાધિ ગ્રહણ કરતો. પૃથ્વીરાજે એક તો પોતાની વીરતાથી ઘણી ખ્યાતિ મેળવી હતી અને બીજું માતામહ તરફથી દિલ્હીની ગાદી મળવાથી તેનું સામર્થ્ય ઘણું વધી પડ્યું હતું. કૂટિલમતિ જયચંદને એ અસહ્ય થઈ પડ્યું. કનોજનું રાજ્ય સ્વતંત્ર નહોતું. દિલ્હીના તાબામાં એ ખંડણી ભરનારૂં રાજ્ય હતું. છતાં જયચંદે ખંડણી આપવી બંધ કરી અને પોતાને સ્વતંત્ર સાર્વભૌમ રાજા તરીકે જાહેર કરવાનું શરૂ કર્યું. રાજગાદી ઉપર બેઠા પછી તરતજ ગૃહકલહ ઊભો કરવો અને પોતાની શક્તિ ક્ષીણ કરવી એ વ્યાજબી નહિ લાગ્યાથી પૃથ્વીરાજે તેની પરવા ન કરી.