પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જયચંદ દિવસે દિવસે વધારે અભિમાની થતો જતો હતો. પોતાનું સાર્વભૌમત્વ કાયમ રાખવા માટે એણે રાજસૂય યજ્ઞ કર્યો. એવો યજ્ઞ કળિયુગમાં ઘણા સમયથી થયો નહોતો. ભારતના જુદા જુદા પ્રાંતના રાજાઓને એ યજ્ઞમાં પધારવાનું નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ફક્ત પૃથ્વીરાજ અને રાણા સમરસિંહને નિમંત્રણ મોકલ્યાં નહિ. હલકા મનનો જયચંદ એટલુંજ કરીને બેસી રહ્યો નહિ, પરંતુ એ બે વીરોનું અપમાન કરવા સારૂં મંડપના દ્વાર આગળ એ બંને જણનાં પૂતળાં ચોકીદાર તરીકે ઊભાં કર્યાં.

જયચંદે એક પંથમાં બે કામ કરવાનો ઇરાદો રાખ્યો હતો. વરવા યોગ્ય થયેલી કન્યા સંયુક્તાનો વિવાહ પણ સ્વયંવર પદ્ધતિથી કરવાનો તેણે વિચાર રાખ્યો હતો. પૃથ્વીરાજ તરફ પોતાની કન્યાનું આકર્ષણ છે એ તે જાણતો હતો, પણ એનું અનુમાન હતું કે, યજ્ઞપ્રસંગે અનેક દેશવિદેશના નવયુવક પ્રતાપી રાજાઓ આવશે. પૃથ્વીરાજની ગેરહાજરીમાં સંયુક્તા એમાંથી કોઈને પસંદ કરીને વરશે.

યજ્ઞ નિર્વિંઘ્ને સમાપ્ત થયો. હવે સ્વયંવરની રચના થઈ. મંડપની શોભા ઘણીજ સરસ હતી. યથાસમયે સંયુક્તા પિતાની આજ્ઞા મુજબ વરમાળા લઈને મંડપમાં દાખલ થઈ. એ જાણતી હતી કે પિતાએ પૃથ્વીરાજને આમંત્રણ મોકલ્યું નથી, પણ દ્વારપાળ તરીકે બારણા આગળ તેમની મૂર્તિ ઊભી કરી છે.

સંયુક્તા એ સભામાં આવીને પ્રથમ તો રાજગુરુને અને પછી પિતા જયચંદને પગે લાગી. જયચંદે ગદગદ સ્વરે કહ્યું: “વહાલી દીકરિ ! યોગ્ય પતિને પામજે.”

સભા નિશ્ચળ અને નિઃશબ્દ હતી. સંયુક્તાએ દૂર દૃષ્ટિ નાખીને હાજર રહેલા બધા નૃપતિઓને નીરખ્યા, પૃથ્વીરાજને સભામાં ન જોયાથી એનું હૃદય કંપવા લાગ્યું, પગ ઢીલા થઈ ગચા, નયનમાં આંસુ આવ્યાં; પણ થોડી જ વારમાં દ્વાર તરફ નજર જતાં એના મુખકમળ ઉપર આનંદ છવાઈ રહ્યો. એના અધર ઉપર હાસ્યની રેખા અંકાઈ, સ્થિર પગે એ મંચ ઉપરથી નીચે ઊતરી અને બધાને પ્રણામ કર્યા. એની સાથે એક ચતુર દાસી તથા ભારતવર્ષના ઈતિહાસ તથા પ્રત્યેક રાજાના જીવનથી