પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ વગેરે સૂક્તો વેદ સમયનાં લોકોની ઋતુસત્વો પ્રતિની દૃષ્ટિ બતાવે છે.

તે પછી સંસ્કૃત સાહિત્યમાં શોધીએ તો કાલિદાસનાં મેધદૂત અને ઋતુસંહાર તેમજ રઘુવંશના ૯ મા સર્ગનું ઋતુવર્ણન : કુમારસંભવનો ત્રીજો સર્ગ : માઘના ‘શિશુપાલ-વધ’ કાવ્યમાં રેવતક પહાડ પર કૃષ્ણચંદ્રે પડાવ નાખવાને સમયે એક સામટી છયે ઋતએ ઊતરીને એમનાં સ્વાગત કર્યાનું વર્ણનઃ ‘કિરાતાર્જૂનીયં’ માં ચોથે સર્ગ શરદ-વર્ણનઃ એ પ્રમાણે ઋતુ-ગાથાઓ આવે છે. એટલું જ નહિ પણ મહાકાવ્યમાં તો ઋતુવર્ણન આવવું જ જોઈએ એવું ખાસ લક્ષણ શ્રી. દંડીએ ‘કાવ્યાદર્શ’ નામના એક અલંકારશાસ્ત્રના ગ્રંથમાં (પરિચ્છેદ ૧: શ્લોક ૧૬) આપેલ છે.

લોકો અને ઋતુરસ

લોકજીવનની અંદર ઋતુ–મહિમા અનેક તહેવારો, ઉત્સવો, વ્રતો અને રિવાજોના રૂપમાં ગુંથાઈ ગયો હતો. ગ્રામ્ય જનોનાં નાનાં નાનાં બાલકો પણ પોષી પૂનમ, મોળાકત આદિ વ્રતો રહીને ઋતુઓ સાથેનો સમાગમ જોડતાં હતાં. મોટી વયના લોકો પણ હોળીના ઉત્સવ દ્વારા વસંત ઋતુને, જન્માષ્ટમી દ્વારા વર્ષાને, દિવાળી દ્વારા શરદને અને ખીસર (મકરસંક્રાંતિ) દ્વારા શિશિરને યાદ કરતા તેમ જ ઉજવતા. શરદપૂર્ણિમાની રાતને, એટલે કે વર્ષભરની -ઉજ્જવળમાં ઉજ્જવળ રાતને તેઓ કૌમુદીમાં બેસી દૂધપૌઆં જમી ઉજવતાં, નેવાં પર સાકરની થાળી મૂકી આખી રાત એમાં ચંદ્રકિરણોનાં અમૃત ઝીલતાં. એ રીતે ઘણાઘણા લોક–તહેવારો ઋતુના પરિવર્તનને અનુરૂપ બનાવી લેવામાં આવતા અને ઋતુ–રસનું પાન આખો લોકસમૂહ પોતાની એવી જાડી રીતિએ કરતો હતો. એનું ખુદ જીવન જ કાં તો ખેડુ-જીવન અથવા તો ગોપ-જીવન હોવાથી