પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઋતુ-શોભા

અહીં મિત્ર-વિદેહના મરશિયા નથી, તેમ પ્રેમિકોનાં વિરહ–ગીત પણ નથી. આ નમૂનો છે માત્ર ઋતુઓના આનંદો ને લક્ષણો આલેખી રાજસભાનું ચિત્તરંજન કરનારી કવિતાનો. ત્રણે ઋતુઓને લંબાણથી આલેખી છે. વ્રજ ભાષા કે બીજી કોઈ પરપ્રાંતીય ભાષાની અસરથી મુક્ત રહેલા એક એકાન્તવાસી ગ્રામ્ય રાવળે રચી હોવાથી એમાં સોરઠની શુદ્ધ ડિંગળી ભાષાનો જ પ્રવાહ ચાલેલો છે. પરંતુ કવિ પોતે આધુનિક તેમ જ ગ્રામ્ય જમીનદારોના સહવાસી હોવાને લીધે ડિંગળી ભાષાને સરલ સોરઠી ભાષાની કૂણપ આપી શક્યા છે. અને તળપદ સૌરાષ્ટ્રનાં જ ઋતુ-લક્ષણોનું આ આલેખન છે. કવિ જૂનાં ઋતુ-કાવ્યોની રૂઢીને વશ થયેલ નથી. એ કવિનું નામ ગીગા ભગત : જાતે રાવળ હતા. આહિરોના વહીવંચા હતા. મહુવા પાસે ડોળિયા ગામના નિવાસી હતા. કાવ્યદેવીનું એટલું ઊંચું વરદાન પામેલા હતા, કે નિરક્ષર છતાં થોકે થોકે આવાં લાક્ષણિક કાવ્યો રચી ગયા છે. એમની રચેલી સેંકડો પંક્તિઓ અનેક ચારણ–બારોટોની જીભ પર રમતી સાંભળી છે. કાવ્યની મધુર સરલતાની એ સાચી સાક્ષી છે. શબ્દ–નાદ તો એમની કવિતામાં ભાવને સારી પેઠે અધીનતાપૂર્વક અનુસરી શકે છે. પ્રસિદ્ધિના નિર્લોભી આ કવિનો દેહ પૂરી વૃદ્ધાવસ્થાએ હજુ એકાદ વર્ષ પૂર્વે જ છૂટી ગયો છે.]