પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લોકગીતોમાં ઋતુ–ગીતો


ચારણી કવિઓનાં રચેલાં ઋતુ–કાવ્યોથી જુદા પડતાં આ વિભાગમાં કોઈ અનભિજ્ઞાત લોકકવિનાં રચેલાં અને કેવળ કંઠપરંપરાથી ઊતરતાં ગીતો આવે છે. એના વિભાગો આ રીતે પાડી શકાય.

૧. સ્ત્રીજનોના રાસડા અથવા ગીતો.

૨. બારમાસી વગેરેના દોહા.

આ પૈકી પહેલા વિભાગમાં આવી શકે તેવા ગુર્જર સ્ત્રીઓના ‘રાસડા’ રઢિયાળી રાત ભાગ ૩ માં ‘ઋતુ-ગીતો’ના વિભાગની અંદર સંધરાઈ ગયા છે. તેની પુનરુક્તિ અત્રે કરવામાં નથી આવતી. પરંતુ, મોટી મારવાડ અને ગુજરાત વચ્ચેના પાલનપૂર નજીકના પ્રદેશમાં મારવાડી સ્ત્રીઓ લગભગ ગુજરાતી ભાષામાં જે ઋતુ-ગીતો ગાય છે, તે અત્રે ઉતારવામાં આવે છે.

એક વાત ખાસ ધ્યાન ખેંચે છે. આપણાં ઋતુ-ગીતો માંહેનું એક પણ ગીત ભાઈ બહેનના વિરહ-ભાવોને નથી ઝીલતું. એ સુંદર તત્ત્વ આ ગુર્જર–મારૂ ગીતોમાંનાં અનેકનો વિષય બનેલું છે. આપણા ઋતુ–ગીતો વિના અપવાદે સ્ત્રી–પુરુષના જ વિજોગ વર્ણવે છે.

🙔