પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ઋતુગીતો
 


[હે વીરા ! તમે મને ઉનાળે તેડવા મોકલો હું ઉનાળામાં આવીને તમારું સૂતર કાંતી દઈશ. (ખેડુ લોકોને ઉનાળે ખેતરનું કામ ઓછું હોવાથી લાંબા દિવસોમાં લૂગડાં માટે સ્ત્રીઓ સૂતર કાંતી કાઢે છે.)

હે મારી બહેન! એ તો મારા ઘરની સ્ત્રી કાંતી લેશે. તું તારે સાસરે જ રહેજે ! આંહી તારી જરૂર નથી.

હે ભાઈ! વરસાદની ઋતુમાં મને તેડવા મોકલ. હું તારા ખેતરના વાવેતરમાંથી ઘાસ નીંદી કાઢીશ.

હે બહેન ! એ તો મારા ઘરની સ્ત્રી કરશે. તું તારે સાસરે જ રહેજે.

હે ભાઈ! મને શિયાળામાં તમારે ઘેર તેડાવી લો ! હું તમારાં ગોદડાં, લૂગડાં આદિ સાંધી દઈશ. (ઠંડી હોવાથી એની જરૂર પડે.)

હે બેન ! એ તો મારા ઘરની સ્ત્રી સાંધશે. તું ત્યારે ત્યાં જ રહેજે !

હે વીરા ! મને પિયરનાં ઝાડ તો જોવા દો ! હું નાની હતી. ત્યારે એ પાદરને ઝાડે હીંચકા ખાતી. એથી એ મને બહુ સાંભરે છે.

હે બહેન! ઉત્તર દક્ષિણનાં વાવાઝોડાં આવ્યાં તેને લીધે આપણા ગામનાં પાદરનાં બધાં ઝાડ ઉખડી ગયાં છે. . .

હે ભાઈ! મને પિયરના કેડા (રસ્તા) તો દેખાડો! મને એ રસ્તા બહુ સાંભરે છે. કેમકે એ રસ્તે અમે સીમમાં જતાં, હાલતાં ચાલતાં અને બેસી વિસામો લેતાં.