પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાલા ! માગશરે મથુરા ભણી રે,
મારા કરમે આ કુબજા ક્યાં મળી રે!
વાલા ! પોષે સુકાણી હું તો શોષમાં રે,
તે દી'ની ફરું છું ઘણા રોષમાં રે.
[રઢિયાળી રાત ભા.૩]

૩. ચારણી ઋતુગીતો : એટલે કે ચારણ, રાવળ, મોતીસર કે મીર આદિ કોઈ પણ યાચક અને આશ્રિત સમુદાયના માણસે ડિંગળી ભાષામાં રચેલાં ઝડઝમકિયાં કાવ્યો. એના પણ જૂજવા પ્રકારઃ

(૧) રાધા-કાનના બારમાસા.
(૨) મિત્ર અથવા આશ્રયદાતાના મૃત્યુ-વિયોગના મરશિયા.
(૩) કેવલ સભારંજનનાં સીધાં ઋતુ-વર્ણનો.

એ તમામનાં દૃષ્ટાંતો આગળ આવશે.

વિરહના સૂર

સ્ત્રીઓને ગાવાના ‘મહિના’ ઈત્યાદિ ઘણાંખરાં ઋતુગીતોમાં વિયોગ જ ગવાયો છે. મિલનના આનંદ ઓછા જ ઊતર્યા છે. પ્રણય આમોદનું આવું કોઈ રડ્યુંખડ્યું અને સાદું સીધું ગીત :

જોડે રે'જો રાજ !
કિયા રે ભાઈની ગોરી રે હો કેવી વહુ !
જોડે રે'જો રાજ !
જોડે નહિ રહું રાજ!
શિયાળાની ટાઢ પડે ને
જોડે નહિ રહું રાજ!