પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેહ—ઉજળીની બારમાસી


[મેહ જેઠવો ધૂમલી નગરનો રાજકુમાર હતો અને ઉજળી પાંચાળના ઠાંગા ડુંગરાની નિવાસી ચારણ–કન્યા હતી. ઉજળીના પિતાના નેસ એક ચોમાસે બરડા ડુંગર પર પડ્યા હતા. તે વખતે એભલવાળાની માફક મેહ જેઠવો પણ અતિવૃષ્ટિમાં પલળીને ચેતન વિનાનો ઉજળીને નેસડે નખાયો હતો. ત્યાં એની શરદી ઉડાડવાના બીજા ઉપાયો નિષ્ફળ જવાથી કુમારિકા ઉજળીએ મેહના દેહને ગોદમાં સુવાડી ગરમી આપી હતી. પછી બન્ને વચ્ચે પ્રીતિ બંધાઈ. પણ છેવટે મેહ જેઠવાને એનાં માબાપે ચારણની દીકરી સાથે પરણવાની ના પાડી. મેહ જેઠવાએ ઉજળીનું જીવતર ધૂળ મેળવ્યું. ઉજળી આજીજીને સ્વરે આવા વિરહ–દુહા ગાતી રહી. આ બારમાસીમાં મેહ જેઠવાને ઉજળીએ મે (વરસાદ)નું રૂપક આપ્યું છે.]

કારતક મહિના માંય, સૌને શિયાળો સાંભરે,
ટાઢડિયું તન માંય, ઓઢણ દે આભપરા–ધણી !

[ કાર્તિક મહિનામાં સહુને શિયાળો સાંભરે છે. તનમાં ટાઢ વાય છે. માટે હું આભપરાના સ્વામી મેહ જેઠવા ! તું મને તારું (સ્નેહરૂપી) ઓઢણ આપ ! ]