પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવ્યો આષાઢ ગાઢ આભલાં છવાયાં,
આંસુડે ચીર સૌ ભીંજાયાં સુહાગી દેવ !
એવાં શાં આળ રાજ માયા ઉતારી !
[ નાના નાના રાસ : ૧ ]

એ આષાઢી રાસ : અથવા એમનો

મો'રી મો'રી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી ને રાજ ! આવજો !

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલા રે !
એ રત આવી ને રાજ ! આવજો !
[ નાના નાના રાસ : ૧ ]

એ વસંત–રાસ : આ બન્નેમાં જુદાઈ બોલી રહી છે.

આ કરુણ ભાવ તરફ ઢળવાનાં કારણો બે છે : પ્રથમ તો સૌરાષ્ટ્ર દેશની સાડા ત્રણ બાજુએ સાગર વિંટાયો હોવાથી પુષ્કળ વહાણવટા અને વાણિજ્યનાં સાહસ ખેડવાની પ્રબલ જનપ્રકૃતિઃ એ પ્રકૃતિને વશ બની વેપારીઓ અને વહાણવટીઓ હજારોની સંખ્યામાં દરિયાપાર ચાલ્યા જતા અને છેક જંગબાર, જાવા અને ચીન સુધી પહોંચી જઈ કેટલેક વર્ષે પાછા વળતા. બીજી મુખ્ય વસ્તી અહીં માલધારી ગોપજનોની હતી. તેઓ આ સૂકી ભૂમિમાં ચારાપાણીની અછતને કારણે છેક માળવા સુધી વર્ષોવર્ષ વાંઢ્ય લઈ ઊતરી જતા, તે મે પડીને ચરણ ઊગ્યાના સંદેશ મળ્યા પછી જ પાછા ઘર તરફ વળતા. ત્રીજી મોટી લોકસંખ્યા તે તલવારધારી કાઠી રજપૂતો વગેરે શૂરવીર વર્ણોની હોઈ તેઓનું પણ લશ્કરી ચાકરીએ ઘણીવાર છેક દિલ્હી સુધી, ઓરેરૂં અમદાવાદ સુધી અથવા કચ્છ સિંધ તરફ ધાડાં ધીંગાણાને કારણે ચાલ્યા જવું થતું. એ પુરુષવર્ગના પરદેશાટનના કાળમાં