પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્ત્રીઓ ઘેરે એકલ જીવન ગાળતી અને ભરથારોના વિજોગની આપદા અનુભવી અનુભવી પોતાની રાત્રિદિવસની ચિંતાઓને કવિતામાં વહાવતી અથવા કોઈ અન્ય કવિને એ રચનાનો વિષય પૂરો પાડતી. આખું વાતાવરણ આ પતિપત્નીની અચોકસ જુદાઈના અનેક અવ્યક્ત ને સબલ ભાવથી છવાઈ જતું. વણઝારા પોઠો લઈને ઊપડતા, સોદાગરો ઘોડાં હાંકી નીકળી પડતા, અને નવપરિણિત વધૂઓ પણ ગઈ દિવાળીએ આણું વળી પિયર જતી તે છેક સામી દિવાળીએ પતિના સંયોગ પામી શકતી. દેશાટને, ધીંગાણે અને ચાકરીએ વિચરનારા પુરુષોની તે જીવતા પાછી વળવાની પણ ખાત્રી નહોતી. એટલે એક બાજુ આ કરુણ મનોદશા તૈયાર હતી, ને બીજી બાજુ ઋતુએ ઋતુની રૂ૫ રસ ગંધ સ્પર્શ ને શ્રવણવાળી પંચવિધ ખિલાવટ એટલી સબલ, સુંદર, મીઠી અને સુખાવહ થતી કે એ સુખમાં ભાગ ન લઈ શકનાર જીવન–સાથી વધુ તીવ્રતાપૂર્વક સાંભરી આવતો.

આ સ્થાનિક વાતાવરણને અનુકૂલ બની જાય તેવું કાવ્ય–કલેવર પણ તૈયાર હતું–ને તે હતું રાધાકૃષ્ણની વિરહ વેદના વહતું ‘બારમાસી’નું ગાન. એ ગીતો રચવા–ગાવાની તો રૂઢિ જ ચાલી આવતી હતી અને ‘રાધાજીના મહિના’ને રૂઢિપ્રચાર આખા ભારત ખંડમાં થયેલો હતો. એ રૂઢિને વશ બની જૈન સાધુકવિઓએ ‘નેમ–રાજુલ’ નામનાં પોતાનાં પુરાણનાં બે પાત્રોનો વિચ્છેદ પણ “મહિના”ના રૂપમાં રચ્યો, સીતાજીના પણ મહિના રચાયા, અને પછી તો સામાન્ય વર્ગની ઊર્મિઓ વહેવા માટે પણ એ જ ખોળિયું બંધબેસતું બની ગયું.

વર્ષાઋતુનું પ્રાધાન્ય

ત્રણે ઋતુમાં વધુ તીવ્રતા પ્રગટાવી છે વરસાદની ઋતુએ : શું દોહામાં, શું છૂટાંછવાયાં ગરબા–ગીતોમાં, શું બાલ–જોડકણામાં કે શું ચારણી કાવ્યોમાં ચોમાસાના સંબોધન–સૂર સવિશેષ વેધક છે. દોહાના