પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક્ષેત્રમાં જોઈશું તો ઉનાળા-શિયાળાના ઉલ્લેખ ભાગ્યે જ હાથ આવશે. પરંતુ ચાતુર્માસ તો ઠેકાણે ઠેકાણે

ડુંગરડા હરિયા હુવા, ચાવો લગ્યો ચકોર
તે રત ત્રણ જણ સંચરે, ચાકર, માગણને ચોર

કોટે મોર કણુકીઆ, વાદળ ચમકી વીજ,
રુદાને રાણો સંભર્યો,આઈ અષાઢી બીજ.

એમ રાણા-કુંવરની કથામાં [ રસધારઃ ધારા ૫ ] જડશે. પછી

ઉત્તર શેડયું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા,
હૈડાં તલફે મચ્છ જીં, સજણ સંભરિયાં.

એ રીતે હોથલ-ઓઢાની કથામાં [ રસધારઃ ૪ ] સ્વજન-સ્મરણ જગાવે છેઃ એ જ પ્રમાણે

વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી
એક વીજાણંદને કારણે, શેણી સુકાણી.

એ શેણી–વીજાણંદની કથામાં પણ [ રસધારઃ ધારા ૫ ] ફરી મિલનની વાટ જોવાનો સમય વર્ષારંભે જ પસંદ થયો છે. એવા એવા નિર્મલ અને ઉન્નત પ્રસંગોની સાથે વળી કોઈ કોઈ વાર

વિજલી તું નિરલજ થઈ, મેવલા તું ય ન લાજ,
મારો ઠાકર ઘર નહિ, મધરો મધરો ગાજ !

આવાં પ્રાસંગિક શૃંગાર–સંબોધનો પણ વર્ષોની જ અસર વ્યકત કરે છે. ‘મહિના’નાં સ્ત્રીગીતોમાં પણ સહુથી વધુ જોરદાર પંક્તિઓ ચાતુર્માસની જ હોય છે :