પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ને મોરલાની પણ મજા વર્ષામાં જામી પડે. પ્રવાસીઓ આશાભર્યા પાછા પણ ચોમાસામાં જ વળે. મેળા, તહેવારો, ઉત્સવો વગેરે પણ ત્યારે જ અનુકૂલ બને. ગરીબ શ્રમજીવીઓને તેમ જ ખેડૂતોને શાહુકારો અનાજ પણ ચોમાસું જોઈને જ ધીરે. આકાશના રંગો પણ ચોમાસે જ અલૌકિક શોભાના સાથીઆ પૂરે. અને પહાડી મુલ્કના સંગ્રામપ્રેમી નિવાસીઓને તો આ વાદળાની ઘુમાઘૂમ, કડાકા, ગર્જના, વીજળીના સબકારા, પાણીના પ્રચંડ પછડાટા ને નદીઓનાં ધસમસતાં પૂર ઈત્યાદિ થકી કોઈ યુદ્ધલીલાની જમાવટ કરતી આ વર્ષા જ વધુ વહાલી થઈ પડે એ યથાર્થ છે. માટે જ વર્ષાના સૂર પ્રબલ અને પ્રમત્ત વાણીમાં ઊતર્યા છે.

પરંતુ કેવળ સૌરાષ્ટ્રના સાહિત્યમાં અથવા લોકસાહિત્યમાં જ વર્ષાઋતુ અગ્રપદે દીપે છે એમ નથી. આખા યે ભારતવર્ષની એ ખાસિયત છે. કારણ એ છે કે શરદ, હેમન્ત, શિશિર અને ગ્રીષ્મ જેવી અન્ય ઋતુઓ તો કશા મહાન પરિવર્તન વિના એકબીજાની અંદર શાંતિથી સરી જાય છે, જ્યારે વર્ષાઋતુ તો પ્રચંડ પરિવર્તનની ઋતુ છે. એનું આગમન કોઈ દિગ્વિજયી રાજેન્દ્રના આગમન સરીખું છે. ઘડીમાં સોનેરી તડકે તપતો તેજોમય ઉઘાડ, તો ઘડીમાં કાળો ઘોર મેઘાડમ્બરઃ ઘડીમાં સૂકી ધરતી, તો ઘડી પછી ધોધમાર વહેતાં પાણી: નિષ્કલંક નીલ આકાશના અંતઃકરણ પર ઓચીંતી વાદળીઓ અને વીજળીઓનો ઉન્મત્ત ઝાકઝમાળ નાટારંભઃ મૃગજળે સળગતાં મેદાનો પર વળતા જ પ્રભાતે રેશમસમાં તરણાંની લીલી લીલી તૃણ-ચૂંદડીનું આચ્છાદનઃ એ સર્વે દ્રશ્યો વર્ષાને મહાન પરિવર્તનની ઋતુ બનાવે છે. અન્ય ઋતુઓને એક જ જાતની સાંગોપાંગ સંપત્તિ—કાં ટાઢ ને કાં તાપ; પણ વર્ષા તો સૌમ્ય તેમજ રૌદ્ર બન્ને સ્વરૂપે શોભતી : ક્યાંઈક મરક મરક મુખ મલકાવતી તો ક્યાંઈક ખડખડ હસતી : ક્યાંઈક જંપીને વિચારમગ્ન બેઠેલી તો ક્યાંઈક ચીસો ને પછાડા મારી વિલાપ કરતી : ક્યાંઈક મેઘધનુષ્યના દુપટ્ટા ઝુલાવતી તો ક્યાંઈક કાળાં ધન-ઓઢણાના