પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચીરેચીરા કરીને પવનમાં ફરકાવતી: આ બધું આપણા દેહપ્રાણને હલમલાવી નાખે ને આપણા ભીતરમાં પોતાની મસ્તીના પડઘા જગાવે. એના આઘાત અગોચર ન રહી શકે.

વસંતની રાતી કુંપળો તો કોઈ ઝીણી નજરે જોનારા જ જોઈ શકે; ઉનાળાનો તાપ એક જ સરખો અને નિઃશબ્દે નિરંતર તપ્યા કરે; શિયાળાની શીત પણ મૂંગી ને ઊર્મિહીન કો સાધ્વી શી સૂસવે, વર્ષાનું સ્વરૂપ એવું નથી. એ તો જોનાર કે ન જોનાર સર્વેને હચમચાવી મૂકે. માટે જ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘મેઘદૂત’ જેવું કાવ્ય ‘આષાઢસ્ય પ્રથમ દિવસે’થી મંડાયું છે. અલકાપુરીનો પ્રિયાવિયોગી યક્ષ અન્ય ઋતુઓ તો ખાસ કશી અસર વિના વટાવી ગયો, પરંતુ આષાઢના પ્રથમ દિવસે પ્રકૃતિનું જે સંક્ષુબ્ધ સ્વરૂપ એણે નિહાળ્યું, તેણે એના અંતરમાં ઘરનાં સ્મરણો જગાવ્યાં, ઊર્મિનું ઉદ્દીપન કર્યું ને કાવ્ય ખળખળાવ્યું.

સૌરાષ્ટ્રમાં એ ખળખભાટ વધુ વેગીલો અને વધુ મસ્ત હોય તો તેનું કારણ છે સોરઠી પ્રજાની આવેશભરી કલ્પનાભરી ને કાવ્યરસભરી પ્રકૃતિ. આંહી તો કનડાના ડુંગર પર ઓઢાની સંગે હોથલ સમી રસિકા સ્ત્રી હતી ને બે કિશોર બાલક હતાં, છતાં યે ઓઢો ‘ઉત્તર શેડ્યું કઢ્ઢિયું’ નિહાળીને પોતાનું વતન કચ્છ સાંભરતાં રડ્યો હતો–એટલું બધું રડ્યો હતો કે

છીપર ભીંજાણી, છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ

એ શિલા આખી આંસુડે ભીંજાઈ ગઈ ને નયનો ત્રાંબાવરણાં બની ગયાં. વતનમાં ગયા વગર પોતે ન જ રહી શક્યો. એટલું આ ભૂમિનાં લોકો પર વર્ષાનું પ્રાબલ્ય હતું.