પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચારણી કાવ્યની સામગ્રી

આ સંગ્રહમાં સંધરેલાં આઠ લાંબાં ચારણી ઋતુગીતો અતિ પ્રાચીન નથી, માત્ર છેલ્લાં બસો વર્ષ લગભગમાં નીપજેલી જૂનામાં જૂનીથી માંડી છેક જ આધુનિક ગણાય તેવી વાનગીઓ આ આઠની અંદર સમાઈ જાય છે. એટલે ઉત્પત્તિના સમયની દૃષ્ટિએ અતિ પુરાતન ન હોવા છતાં રચના-શૈલી અથવા ભાષા-બંધારણ ને ભાવ–ગુંથણીની દૃષ્ટિએ આમાંનાં જૂનાં ગીત નિઃશંક પ્રાચીનતાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવાં ગણાય. ‘સકજ સાંગણ સંભરે’ (પા. ૪૯) એ છંદને આપણે પુરાતન ઢબછબનો લેખી શકીએ. કવિશ્રી પીંગળશી ભાઈનો ‘ગોકુલ આવો ગિરધારી’ છંદસમયને તેમજ સમયની અસરોને હિસાબે નવીન છે. ગીગા બારોટનું ‘ઋતુ-શોભા’ (પૃષ્ટ ૬૦) નામે ત્રણ ખંડવાળું ગીત, સમયની દૃષ્ટિએ પચાસ વર્ષની અંદરનું હોવા છતાં ભાષાનું શુદ્ધ ડિંગળીપણું જાળવી રાખતું હોઈ તદ્દન આધુનિક નથી. એટલે આ હિસાબે આઠે ગીતોનાં ઝુમખાને ચારણી ઋતુવાણીના પ્રતિનિધિસ્વરૂપે સ્વીકારી લઈ આપણે એમાંથી તરી આવતાં તત્ત્વોને ચારણ કાવ્યનાં સાચાં પ્રતિનિધિ લક્ષણો તરીકે ઓળખાવી શકીએ.

એમાં વિષયો કયા કયા ગુંથાયા છે? એમાં વિરહ-કાવ્યનું તો કેવળ કલેવર જ વપરાયું છે, બાકી એ વિરહના ઉછાળા મારતી આત્મલક્ષી કવિતા છે જ નહિ.એ તો છે વર્ણનાત્મક, અથવા ઋતુ–સુખની ઊર્મિઓ પ્રેરનારી કવિતા. હું તો એને Descriptive poetry (વર્ણનાત્મક કવિતા)જ કહીશ. પ્રધાનભાવે એમાં ઊર્મિનું તત્ત્વ પણ નથી. ચારણો વ્યવહાર–કુશલ કવિઓ હતા. તેઓ કોઈએક જ ભાવમાં આત્મનિમજ્જન નહોતા અનુભવતા. તેઓ કલાના સ–ભાન સર્જન તરફ વિશેષ ઢળતા, તેથી કરીને પોતાની ઋતુ–કવિતામાં તેઓએ કેટલી ભાતનો સંભાર ભર્યો ?