પૃષ્ઠ:Rutugeeto.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦


ઝાકળનાં ઝરણાં થકી ચણા, તલ અને ઘઉં પાકે, કૂવાનાં પાણી તપી જાય, નવાણોનાં નીર ઉંડાણે ઊતરે: ફાગણમાં પવન ફરકે, આંબા, મહુડાં ને ખાખરા મહોરે : ચૈત્ર–વૈશાખમાં વન નવેસર કોળે, આકાશમાં રજની ડમરી ચડે, વનફળ પાકે; ભરણી નક્ષત્રમાં 'દનિયાં' તપે: બીજ અને અખાત્રીજને દિવસે પૃથ્વીનાં પડો નીચે ઉપરની બાફ થકી પાણી ઉભરાતાં વૃક્ષોને નવું પોષણ પહોંચે : સૂર્ય પૃથ્વી પર લાંબો સમય ટકે : દિવસ લાંબા ને રાત ટૂંકી થાય : પવન જોરથી ફુંકે (વાવલાં વાય) : જેઠમાં જળ ગભરાઈ બફાઈ જાય, આદ્રા નક્ષત્રમાં ઘોર ઘનઘટા થાય, ચાર થરાં વાદળાં વળે, પૃથ્વી વ્યાકુળ બને, ભોજન ભાવે નહિ, પાણીનો પ્રવાહ ત્રૂટે: આષાઢમાં અત્યંત બફારો ખમવો પડે.

લગભગ આટલાં ઋતુલક્ષણો અને અસરોથી જ ચારણી કવિઓની નિરીક્ષણ-સીમા બંધાઈ જાય છે. આ ઉપરાંતની વિશિષ્ટતાઓ તેઓની દૃષ્ટિએ ચડી નથી, તેમ કશી વ્યવસ્થિત ગૂંથણી પણ તેઓએ નથી કરી. ઉત્તરોત્તર એની એ જ સામગ્રીને કવિઓએ ભિન્ન ભિન્ન શબ્દ-રચના કરીને વાપરી છે. એક ને એક જ ચીલે તેઓ ચાલતા આવ્યા છે. ઋતુઓનાં સવિશેષ પરિવર્તનોની નોંધ કરી નથી, કેમકે તેઓનું ધ્યાન વાચાની પટુતા પર વધુ ચોંટ્યું રહ્યું હતું. એકની એક વસ્તુ એકબીજાથી વધુ લાલિત્ય અને ચમત્કૃતિ સાથે આલેખવાની સરસાઈ ચાલતી હતી. ‘નવી કલ્પનાઓ ને નવી વિગતો લાવો !' એમ કહેનાર કોઈ નહોતું. એટલે જ કેટલાંક ગીતોમાં ઘણુંખરુ તો ઋતુ-લક્ષણનો સહેજ ઈસારો પતાવીને પછી કેવળ ઊર્મિની જમાવટમાં જ ઊતરી પડાય છે: દૃષ્ટાંત તરીકે

પોષેં પછતાઈ, શિશિર સુહાઈ
થંડ લગાઈ સરસાઈ,
મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ
વ્રજ દુઃખદાઈ વરતાઈ;