પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨

 જાળવીને પ્રાસાનુપાસની રંચ માત્ર પરવા કર્યા વગર ચાલ્યું જાય, કેમકે એને સૂતેલી મૂઢ મેદની ઉપર રસની તાત્કાલિક અંજલિ છાંટવી નથી. પરંતુ ચારણી કવિને તો એનો એ જ ભાવ-

વૈશાખે વદ્ળ, પવન અપ્રબ્બળ,
અનળ પ્રગટ થળ તપતિ અતિ;

સોહત કુસુમાવળ, ચંદન શીતળ,
હુઈ નદિયાં જળ મંદ ગતિ;
 
કીનો હમસેં છળ, આપ અકળ કળ !
નહિ અબળા બળ બતવારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !

એમ અક્કેક ટ્રકમાં નવ અથવા બાર અનુપ્રાસો મેળવી, અક્કેક પંક્તિને ત્રણ ત્રણ અનુપ્રાસની ઘડી પાડી, કોઈ પડઘમ વાજાના ગતિગીતોની માફક શ્રોતાજનોનાં પચીસ પચીસ અણધડ વા અધઘડયાં હૈયાંને એકસામટા થડકારા લેવરાવવાના હતા. એટલા માટે જ ચારણી કાવ્યના સાદા હરિગીતને પણ અનેક ભિન્ન ભિન્ન અનુપ્રાસોનાં બંધનો આપી નવનવા છંદો રૂપે જન-હદય હરતો બનાવ્યો છેઃ દાખલા તરીકે સારસી છંદ લઈએ :

શશિયર સુહાવે, રંગ છાવે, હુલસ ગાવે હોરિયાં
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયાં

બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી
રઢરાણ હિડમત ! વળ્યે અણુ રત, ધરણસર માતરધણી !

અથવા જુદા પ્રાસાનુપાસવાળો એ છંદનો બીજો નમૂનો જુઓ !