પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઋતુ-ગીતો
 


આષાઢ આવતાં તો મેઘ માતેલો બન્યો. વાયુમાં વાદળાં વહેવા લાગ્યાં. ધરતી પર પાણીની ધારા પડે છે. (તારી વિરહિણી) દારા દુઃખી થાય છે હે મારા શામળા સ્વામી ! આ વાજિંત્રો વાગે છે, ગહેરા નાદ ગાજે છે, માનિની હવે તો માન ને મર્યાદા મેલી દે છે. એમ ભરજોબનમાં આવેલી ભામિની રાધા કાનને કહાવે છે. ]

શ્રાવણ

ત્રીજો બેઠો [૧]તબ તકે, અણપૂરી મન આશ;
અબળા મેલી એકલી, ભણીએં શ્રાવણ માસ.

શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની,
પે’રી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની;
શણગાર સજીયેં, રૂપ રજીયેં, ભૂલ લજીયેં ભાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.

[ ત્રીજો મહિનો બેઠો ત્યાં સુધી પણ મનની આશા અપૂર્ણ રહી. (સ્વામીએ) અબળાને એક્લી મેલી. એવો શ્રાવણ માસ વર્ણવીએ છીએ.

શ્રાવણમાં સારી પેઠે વૃષ્ટિ ઝરે છે. કેટલીયે કામિનીઓ કતારબંધ રંગે રાતાંચોળ પટોળાં પહેરીને ભમે છે. અમે પણ શણગાર સજીએ છીએ, રૂપને રંજિત કરીએ (શણગારીએ) છીએ, લજજા અને ભાન ભૂલીએ છીએ.........]

ભાદરવો

નહિ આવે તે નાથજી ! પાડીશ મારા પ્રાણ;
ગડ હડ અંબર ગાજિયો, જોર ભાદ્રવો જાણ!


  1. ૧. તબ તક=ત્યાં સુધી (ચારણી કાવ્યમાં હિન્દી પ્રયોગની પણ છૂટથી મેળવણી થાય છે.)