પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઋતુગીતો
 

ભરપૂર ભાદ્રવ, [૧] ડહક દાદ્રવ, એમ જાદ્રવ આવતાં,
[૨]ગહેકે ઝિંગોરાં, સાદ ઘોરા, બહુ મોરા બોલતા;
સંતે ઉચારા, મુને મારા, ધરું તારા ધ્યાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.

[ હે નાથ ! તમે નહિ આવો તો હું મારા પ્રાણ ત્યજીશ. આ તો ગડહડાટ કરીને આકાશ ગાજ્યું. એવો જોરદાર ભાદરવો આવ્યો જાણો.

ભાદરવો ભરપૂર વરસે છે. દાદૂરો (દેડકાં) ડરાઉં ! ડરાઉં ! બોલે છે. અને જાણે જાદવરાવ (કૃષ્ણ) આવતાં હોય તેમ મોરલા શોર કરીને ઝિંગોર ગજાવે છે. સંત લોકો (શાસ્ત્રો) ઉચ્ચરે છે. હું તો તારું જ ધ્યાન ધરું છું.......]

આસો

શું કરવા સાહેલડી, અંતર હોય ઉદાસ !
અલબેલો નાવ્યા [૩]અઠે, આવ્યો આસો માસ.

આસો જ એમેં, કરવું કેમેં, પ્રીત પ્રેમે પાળીએં,
ઓચંત આવે, નીંદ નાવે, મન્ન માવે મોહીએં;
નીરધાર નયણે, ઝરે [૪]શમણે, શામ શેણે સંભરે;
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.


  1. દેડકાનો અવાજ 'ડહકે' શબ્દથી સૂચવાયો છે.
  2. તે જ રીતે મોરના સૂર માટે ‘ઝિંગોરા ખાસ શબ્દ છે. અને ‘ગહેકે ' પણ મોરનું જ બોલવું બતાવે છે.
  3. અઠે : આહીં’. (મારવાડી પ્રયોગ).
  4. શમણું: સ્વપ્ન.