પૃષ્ઠ:Rutugeeto.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઋતુ-ગીતો
 

સોળસેં સાહેલી, ખેલ ખેલી, અલ્લબેલી આનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.

[ રોજ શામને સંભારું છું, મન સ્થિર થતું નથી. હે વ્રજવાસી! માગશર મહિનામાં હવે પાછા વળી આવો !

હે માધવ! માગશરમાં મન (તમારી સાથે) બંધાઈ ગયું છે. રાધા જાળિયામાંથી નીરખતી તમારી વાટ જોવે છે. ઘરમાં ગોપી ઘેલી બની છે. હે બાળપણના બંધુ! ભલે તમે અન્ય અલબેલી સોળસેં સખીઓ સાથે ખેલ ખેલ્યા, પણ પહેલી બાંધેલી પ્રીત તો પાળવી જોઈએ. ......]

પોષ

નહિ આવો તો નાથજી! રહે ઘણો મન રોષ;
દન લાગે [૧]અત દોયલા, પ્રભુજી! બેઠો પોષ.

પોષે જહેલા, [૨]મન્ન મેલા! આંહીં વેલા આવીએં!
તલખંત ચંતર, એમ અંતર, [૩] દેઈ થરથર દાખીએં
કાનડ કાળા ! છોડ ચાળા ! [૪]મરમ્માળા ! માનને !
ભરપૂર જોબનમાંય ભામન. કહે રાધા કાનને,
જી કહે રાધા કાનને.

[ હે નાથ ! નહિ આવો તો મારા મનમાં ઘણો રોષ રહેશે. દિવસો અતિ દોહ્યલા લાગે છે, હે પ્રભુ ! પોષ બેઠો.

પોષમાં તો હે મેલા મનના માનવી ! વહેલા આવો. મારું અંતર તલસે છે. મારો દેહ (ઠંડીથી) કેવો થર થર ધ્રુજે છે તે હું બતાવું. હે કાળા કાન ! હવે તું તોફાન છોડ. હે મર્માળા ! માની જા !...]


  1. અતિ
  2. મેલા મનવાળા
  3. દેહ
  4. મર્માળા.