પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી ચંદ્રશંકર પંડ્યા
૮૩
 


સ્વભાવને લીધે. સાહિત્યના ક્ષેત્રે સાઠમારી મીટાવવા તેઓ એક વખત બોલેલા: “પરસ્પર ન લઢતાં સાહિત્યવીરો ને સાક્ષરો ભલે મને ભાંડે, પ્રહાર કરે; હું સર્વ સ્હેવા તૈયાર છું.” તેમની આ શહીદવૃત્તિ (martyrdom) માટે ‘કૌમુદી’માં શ્રી વિજયરયે તેમને ‘સાહિત્યક્ષેત્રના ઈશુ’ કહેલા.

શ્રી. ચંદ્રશંકર એટલે વિવિધતા, ગુણપૂજા અને રસિકતાનો ત્રિવેણીસંગમ. તેમની વિવિધતા તેમને સર્વત્ર વિચરાવે છે, તેમની ગુણપૂજા ઘણાયનાં વેરઝેર ઓગળાવી દે છે, ને તેમની રસિકતા તેમને સુંદરીઓના સંઘમાં એ લાડીલા ને માનીતા બનાવે છે. વિશાળ મન અને સ્નેહાર્દ્ર હૃદય શું શું ન સાધી શકે ? પણ ઢાલની બીજી બાજુયે છે. કેટલાયને મન તેમની વિવિધતા તે અસ્થિરતા લાગે છે, તેમની ગુણપૂજા તે ખુશામત મનાય છે, ને તેમની રસિકતા તે પ્રૌઢ જનોને ન શોભે તેવી ઉપહાસપાત્ર બાલિશતા સમી ભાસે છે. પણ આ મતે ય કાંઇ સંપૂર્ણ સાચો કે દોષવિહોણો નથી.

તેમનું ગુણદર્શન એક વખત પ્રશંસાપાત્ર અને પાવન હતું, આજે તે અન્યથા બન્યું છે. તેમની એ ગુણજ્ઞતાએ ને ગુણપૂજાએ જયશંકર સુંદરી ને બાપુલાલ નાયકની નાટ્યકલાને વધુ બહાર આણી, ચારણી સાહિત્યવાળા ઓધવજીભાઈ અને ગઢવી મેઘાનંદને વધુ પ્રકાશમાં આણ્યા, ને કિંજવડેકર શાસ્ત્રી સમા સમર્થ મીમાંસા–વિદ્વાનનો ગુજરાતને પરિચય કરાવ્યો. તેમની ગુણપૂજા કેવળ શબ્દની જ નહિ, પણ તન, મન અને ધનની પણ હતી. ઉદાર આતિથ્ય ને ખર્ચાળ આદરસત્કાર તેમના સ્નેહ સાથે સંકળાઈ જતાં, અને કેટલાયે મ્હેમાનો તેથી ઉપકારવશ બનતા.