પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સાહિત્યને ઓવારેથી
 


પણ શ્રી. ચંદ્રશંકરના પોતાના મતે તો તેમની કલમ કાવ્ય કરતાં ગદ્યમાં વધારે તેજસ્વી છે. નિબંધ હોય કે વિવેચન હોય, તેમની શૈલી ગદ્યમાં ઠરેલ અને પ્રૌઢ, તથા સંસ્કારી અને સંયમવતી હોય છે. ક્વચિત્‌ તે ઉલ્લાસ અને ઉન્મેષ દર્શાવે છે, પણ ક્યારેય તે ઉન્માદ કે આવેશમાં તે નથી જ સરી પડતી, ‘સમાલોચક’માં અને અન્ય સામયિકોમાં તેમણે લખેલા લેખોમાંથી આજે પણ એક સારો લેખસંગ્રહ તૈયાર થઈ શકે. ધર્મ કે તત્ત્વજ્ઞાન, સાહિત્ય કે રાજકારણ: સૌ ઉપર તે મોહક રીતે લખી શકે છે. વેદ–મીમાંસા–પ્રચાર હોય કે સરસ્વતીચંદ્રસ્વાધ્યાય–સત્ર હોય, ગમે તે ઉપર અને ગમે ત્યારે તેઓ મુદ્દાસર લખી શકે છે. પત્રકાર ને રેખાચિત્રકાર તરીકે પણ તેઓ ઠીક ઠીક જાણીતા છે. નિબંધ અને વિવેચનમાં પણ ગહનતા અને ગુણગ્રાહિતાથી તેઓએ પોતાની કલમ આકર્ષક રીતે ચલાવેલી. પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર અને બીજા કેટલાક શાસ્ત્રીય લેખોદ્વારા તેમણે ગુજરાતી ભાષાને કેટલાયે પારિભાષિક અને સુયોગ્ય શબ્દો આપ્યા છે. મૂળ ‘બે પ્રેમકથાઓ’માંથી વિકાસ પામેલી ‘પાંચ પ્રેમકથાઓ’ તેમના જ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. આ વાર્તાઓમાં પણ સાક્ષરતા, ધીરતા ને શિષ્ટતા જ નજરે પડે છે. ઉન્માદ, આવેશ કે તોફાન બહુ જ થોડાં; અને હોય ત્યાંયે મર્યાદિત અને સંયમયુક્ત, ભાષા પર તેમના ગદ્યલેખોનાં કેટલાંક લક્ષણો આ વાર્તાઓમાં યે આવે છે. ‘સર્જક રાજપુરુષ ગગા ઓઝા: એક અંજલિ’ અને આવા કેટલાક પ્રકીર્ણ લેખોની શૈલી પ્રમાણમાં વધુ વિશદ ને મનોરંજક લાગે છે.

આ તેમની સાહિત્યસેવાનો મુખ્ય સમુચ્ચય. તેમના જાહેરજીવનના રંગ પ્રમાણે તેમના લેખોના પણ રંગ બદલાતા