પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સાહિત્યને ઓવારેથી
 


આ દેવીમંદિરનો યશ સમગ્ર ગુજરાતમાં વ્યાપી રહ્યો છે. કચ્છકાઠિયાવાડમાં પણ તેની કીર્તિ ફેલાઈ છે; બૃહદ્‌ ગુજરાતમાં યે તેની પ્રતિષ્ઠા પહોંચી ગઈ છે. ઠામઠામથી સાહિત્યજળના સ્પર્શથી શુદ્ધ થયેલા અનેક માનવીઓ ત્યાં ઊભરાયા છે. સાહિત્યના પ્રદેશમાં આ દેવીની પ્રચંડ હાક દૂર… સુદૂર પણ સંભળાય છે. ક્વચિત્ પ્રણત મુખે હાથ જોડતા યાત્રાળુઓ તેના મંદિરની મુલાકાતે આવે છે, તો ક્વચિત્‌ અનેક ભક્ત હૃદયો ત્યાં ઊભરાય છે. કેટલાક તો ત્યાં વર્ષો સુધી અગ્રગણ્ય પૂજારીનો અધિકાર પચાવી પડે છે, અને અન્યજનોને અવગણે છે. પ્રથમ હક્કના આ પૂજારીએ દેવીના ગર્ભદ્વારમાં તેનું સાન્નિધ્ય માણતા, ને પવિત્રતા દાખવતા નજરે ચઢે છે. અને પછી દેખાય છે કોઈમોટો માનવસમુદાય. શિર ઢાળતા, હાથ જોડતા કેટલાયે ત્યાં આંખો મીંચી ધ્યાનમાં લીન થાય છે; કોઈ ત્યાં ચપટી ચોખા મૂકે છે, કોઈ સ્તુતિ લલકારે છે, તો કોઈ વળી મૂક પ્રાર્થના કરે છે. અને આ ભવ્ય આડંબરમાં અમુક અમુક વર્ગ તરી આવી સૌનું ધ્યાન ખેંચે છે. સાહિત્યજળમાં સ્નાન કર્યા વિના, કેવળ તેનાં બે બિંદુઓથી શુદ્ધિનો આગ્રહ ધરાવનાર પણ આ મંદિરમાં દ્રષ્ટિએ પડે છે; તો અન્ય કોઈ વળી આવી શુદ્ધિ માત્રનેજ અવગણતા ને સુવર્ણસ્પર્શથી જ શુદ્ધિ સાધતા એક ખૂણામાં અગ્રિમ સ્થાન ભોગવી રહ્યા છે. ક્યાં મંદિરનું પાવન ને પ્રેરક આદર્શ વાતાવરણ ને ક્યાં આ પૂજારીઓ ને ભક્તજનોની અસ્મિતા !

અને આ મંદિર કેટકેટલાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે ! તેની કલ્પના સુંદર, તેના આદર્શો ઉચ્ચ, તેની ભાવના ભવ્ય, ને તેનાં સ્વપ્ન અસામાન્ય છે. મોટી પાઘડીઓ ને ફેંટાઓ,