પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સાહિત્યને ઓવારેથી
 


દિવસ ! આજે આ મંદિર નિસ્તેજ ને નિર્માલ્ય થતું જાય છે. તેની દેવીની કીર્તિ ઓસરતી જાય છે, ને તેની ભક્તમંડળી કમી થાય છે. દેવીના પ્રતાપ અને પરચા આજે મંદ થાય છે, અને સત્તાથી વંચિત થતી તે દીન હીન બને છે. કોઈ તેને નિપ્રાણ ધારે છે, કોઈ તેને મરણોન્મુખ કલ્પે છે, તો કોઈ તેને નિવાર્ય માને છે. નિષ્ક્રિયતા ને શૂન્યતા એ મંદિરના વાતાવરણમાં સભર ભરાતાં લાગે છે.

પરિષદને કોઈ ભેખધારી સામર્થ્યવાન પૂજારી નથી મળતો, તો પછી તેનો પ્રતાપ ક્યાંથી વિસ્તરે ? તેને કોઈ સાચા દીલના ભક્તજનો નથી જડતા, તો પછી તેની ખ્યાતિ શી રીતે ટકે ? દુર્ભાગી ને દયાપાત્ર દીસતી આ પરિષદ આજે સૌનું ધ્યાન ખેંચે છે, નહિ કે તેના યશ ઉચ્ચારવા માટે–પણ ટીકાના વજ્રપ્રહારો માટે, મર્મવેધી શબ્દબાણો માટે.

પણ આ સાહિત્યપરિષદને આમ અલંકારથી જ નવાજ્યા કરીએ, તો તેમાં તેને તથા આપણને અન્યાય થાય છે. તે મિત્રોની ને અમિત્રોની સંગમભૂમિ છે, વ્હાલેરાં ને વિરોધીઓનું મિલનસ્થાન છે. તેની જમા બાજુએ છે અમૂર્ત રહેલી ભાવનાઓ, કેટલાક પ્રતાપી પ્રમુખોનાં વિદ્વતાભર્યા ભાષણો, અસંખ્ય નિબંધો, થોડાંક પ્રકાશનો, સ્વલ્પ માર્ગદર્શન અને નર્મદની નોંધપાત્ર શતાબ્દી જયંતી. વિશેષમાં દેખાય છે તેના અધુરા કે અફળ રહેલા, શબ્દસુંદર ને સિદ્ધિવિહોણા અગણિત ઠરાવો, લોક–સાહિત્યના જલસાઓ અને કલાપીમંદિર જેવાં નિષ્પ્રાણ અને નિર્માલ્ય તત્ત્વોનો ઠઠારો. તેની ઉધાર બાજુ આજે અનેકને અનંત લાગે છે, તેની વિપુલ પ્રશંસા આજે અસહ્ય બને છે, ને તેની હયાતી માત્ર જ કેટલાકને અક્ષમ્ય લાગે છે.