પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સાહિત્યને ઓવારેથી
 


સુવર્ણયુગ કહી શકાય. ગુજરાત ત્યારે સ્વતંત્ર ને સત્તાશીલ હતું, સમૃદ્ધ અને સરસ્વતીભક્ત હતું. ત્યારની તેની જાહોજલાલી ને તેની વિદ્વત્તા કોઈ પ્રતિભાશાળી કવિને કલ્પનાની પાંખે ઊડતો કરી દે, કોઈ સમભાવશીલ ઇતિહાસકારને ગૌવરભીનો બનાવે, ને કોઈ સમર્થ પુરાવિદને હર્ષપ્રફુલ્લ કરે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં કોઈ પણ રાજવંશ માટે જો સૌથી વધુ વિપુલ ને વિશ્વાસપાત્ર સાધનો આજે મળતાં હોય તો તે સેલંકીવંશ માટે જ છે એમ ડો. બ્યુહ્‌લરે પણ કહ્યું છે. મુનિશ્રી જિનવિજયજીએ જાતઅનુભવથી જણાવ્યું છે કે “ગુજરાતની અમૂલ્ય ગ્રંથસંપત્તિ મહારાષ્ટ્રના પાટનગર પૂનામાં ‘ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટ્‌યુટ’ની ભીંતોથી ઘેરાયેલી કેદ પડી છે. પચીસેક હજાર જેટલી સંખ્યાવાળા એ મહાન ગ્રંથરાશિમાં લગભગ વીસહજાર ગ્રંથો ગુજરાતમાંથી ગયેલા છે ! ” આ હકીકત કેટલી શરમ ને ખિન્નતા ઉપજાવે છે ? ગુજરાત તેના ઇતિહાસ ને પુરાતત્ત્વ તરફ જે ઘોર ઉદાસીનતા દાખવે છે તેનો આ પુરાવો છે. ગુજરાતના ઇતિહાસના કણો એકઠા કરવાના પ્રયાસો પ્રેરણાબળે ગતિમાન થાય તે હેતુથી મુનિશ્રીએ ઐતિહાસિક પ્રકાશ ફેંકતા અનેક આધારગ્રંથોનું ભાષણ દ્વારા દિગ્દર્શન પણ કરાવ્યું છે. વીસમી સદીના ગુજરાતમાં જ્યાં થોડીશી વિદ્વત્તાથી વધુ વિખ્યાત થવાતું હોય, ત્યાં સ્વલ્પ સર્જન–પ્રકાશનથી સાહિત્યકાર બનાતું હોય, ત્યાં કઈ વ્યક્તિ કે કઈ સાહિત્યસંસ્થા આ દિશામાં શ્રમ લે ? આપણી સાહિત્યપરિષદનું પણ તેમ જ.

અને હજુયે એક વિશેષ વિગત જણાવી લઉં ? જરા સૌરાષ્ટ્ર તરફ નજર તો કરો; ને તેની પ્રાચીનતા, ભવ્યતા ને ભયાનકતા નિહાળો ! તેને ડુંગરે ડુંગરે રસકથાઓ છે, ને તેના સીમાડાઓ