પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સાહિત્યને ઓવારેથી
 


કાર્યકરો સહકાર અને સેવાની શુદ્ધભાવનાથી કર્તવ્ય બજાવે તો થોડા જ વર્ષોમાં ગુજરાત તેની સાહિત્યસિદ્ધિઓ માટે, અને તેની વિદ્વત્તા ને સંસ્કારસમૃદ્ધિ માટે ગૌરવ અનુભવતું સૌ પ્રાંતોમાં નિરાળી ભાત પાડે ! ગાંધીજીના ગુજરાતમાં સાચી સેવા કદી વિત્તસહાયથી વંચિત નથી રહી; અને સેવાપરાયણ નવજુવાનોની પણ ખામી નથી. માત્ર સાહિત્યોત્કર્ષના દ્રષ્ટિબિંદુની અને તેના સર્વોદય માટે આવશ્યક વ્યવસ્થિત પ્રયત્નોની જ જરૂર છે. ગુજરાતી સાહિત્ય ત્યારે સાઠમારીનું સ્થાને નહિ હોય, કે કેવળ આનંદપ્રાપ્તિનું સાધન નહિ હોય; પણ લોકજીવનની રગેરગમાં વ્યાપી જતું, તેને પ્રેરતું ને ઉજાળતું અપ્રત્તિમ સત્ત્વ હશે. ત્યારે સાહિત્યપરિષદ આટલી પામર, પંગુ ને પ્રત્યાઘાતી નહિ હોય, પણ પ્રજાનાં હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતી સમૃદ્ધ અને સન્માનપાત્ર સંસ્થા હશે. વિભાગીય પ્રમુખોની યોજના, શ્રી. કાલેલકર કહે છે તેમ, વહેલી મોડી તો આવશ્યક જ છે; પણ સાહિત્યનાં ઇતર વધુ અગત્યનાં કાર્યો જોતાં, ને તેની મર્યાદિત ભૂમિ જોતાં હાલ તે યોજનાને ભાવિ વિકાસયુગ ઉપર ભલે મુલતવી રખાય. આજે તો પરિષદ તેના બંધારણના હેતુ બર લાવે, અને બંધારણનાં બંધનોને શિથિલ કરી પોતાને વધુ વિશાળ અને પ્રગતિશીલ બનાવે એ જ આપણી ઈચ્છા હોય.

મહાનલ સમા જ્વલંત અને ભેખધારી પ્રમુખ માટે તેનો અદમ્ય ઉત્સાહ જોતાં આ શક્યતાઓ આજે અશક્ય નથી. રાષ્ટ્રીયતાના પ્રદેશમાં અને હરિજનપ્રવૃત્તિમાં, તેણે તેની કર્તવ્યપરાયણતાથી, વિશુદ્ધ વ્યક્તિત્વથી, ને જલદ સેવાભાવનાથી અનેરી ભાત પાડી છે; તો તે જ વ્યકિત સાહિત્યપ્રદેશે પણ શું ન સાધી શકે ? આશા છે કે પરિષદના આગામી સંમેલનના પ્રમુખપદેથી ગાંધીજી