પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી મોતીભાઈ અમીન
૧૧૫
 


થતા અટકાવ્યા છે. આવી વિવિધ હકીકત જાણનાર જન જ આ દ્વારપાળનાં યથાયોગ્ય મૂલ્ય આંકી શકે. વળી, શ્રી. મોતીભાઈએ લોકસેવાની ભાવનાથી પ્રેરાઈને નિર્મળ લેખો દ્વારા અજાણતાં યે સ્વલ્પ સાહિત્યસેવા તો કરી છે જ. આમ તેઓ સાહિત્યસેવા અને લોકસેવાને જોડી દેનાર સેતુ સમાન છે. સાહિત્યકાર અને લોકસેવક, બંનેનું ધ્યેય જનતાને ઊર્ધ્વગામી કરવાનું છે. ‘સાહિત્ય પોતે પણ સંસારપ્રશ્નોની જ પર્યેષણા છે.’ અંગ્રેજ કવિ મેથ્યુ એરનોલ્ડ પણ કાવ્યને ‘જીવનની સમીક્ષા’ કહે છે. આપણા માનનીય મોતીભાઈએ સાહિત્ય વડે અને પ્રત્યક્ષ અનુભવથી માનવ જીવનના જટિલ પ્રશ્નોની વિચારણા કરી છે, અને સાહિત્યના આદર્શોને શબ્દથી નહિ, પણ કાર્યથી પ્રજાની અનેકવિધ ઉન્નતિનું નિમિત્તકારણ બનાવ્યા છે. આવાં સબળ કારણો જ શ્રીયુત મોતીભાઈને–નજીકના સાહિત્યજળમાં સ્નાન કરતા નહિ, પણ સામે કિનારે ક્ષિતિજ આગળ આવેલા સરસ્વતીમંદિરનાં પગથીઆં ઉપર દ્વારપાળ તરીકે ઉભા રહેતા મોતીભાઈને–ઓવારેથી અવલોકતા આ લેખકની દૃષ્ટિમર્યાદામાં લાવે છે, ને આ લેખમાળાનો મણકો બનાવે છે.

શ્રીયુત મોતીભાઈની બાલ્યાવસ્થા વખતે દેશમાં કોઈક અવનવું વાતાવરણ પ્રસરતું હતું. વિવિધ પ્રદેશોમાં વિચરતા વીર નર્મદની વિરહાક ત્યારે સમગ્ર ગુજરાતમાં સંભળાતી હતી. ગુજરાત ત્યારે ધર્મમાં, સમાજમાં, સાહિત્યમાં ને રાજકારણમાં નવીન જાગૃતિ દાખવતું હતું. બ્રિટિશ અમલ સુસ્થાપિત થયા પછી ઇંગ્રેજી સંસ્કૃતિ ને ઇંગ્રેજી સાહિત્યનાં બલિષ્ટ તત્ત્વો સૌને આંજી દેતાં હતાં. સુધારા અને પ્રગતિના સૂરો હવામાં ગુંજતા હતા. રચનાત્મક કે ખંડનાત્મક, ગમે તે પ્રકારે ગુજરાત તે