પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સાહિત્યને ઓવારેથી
 


વખતની નિશ્રેતન પરિસ્થતિમાંથી મુક્ત થઈ પ્રગતિમાન થવા ઇચ્છતું હતું. નર્મદ આવ્યો ને ગયો; સુધારક ને ઉચ્છેદક થયો, અને જરા પ્રત્યાઘાતી પણ બન્યો. પછી ગોવર્ધનરામની સાહિત્યગાથા શરૂ થઈ ગઈ. અર્વાચીન યુગના પુરાણ સરિખડા એ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને પરખી બંનેને સંવાદી કરવા પ્રયત્ન આદર્યો. વિચ્છેદ કે રચના, વિનાશ કે વિચારણ, ખંડન કે સુધારો: આવા વિવિધ તર્કવિતર્કો પ્રાકૃત જનોનાં હૃદયને હચમચાવતા. ગુજરાત ત્યારે નિષ્ક્રિયતા, નિર્માલ્યતા ને નિરાશાની ગાઢ નિદ્રા તજી આંખો ચોળતું ધીમે ધીમે જાગૃત થતું હતું–તેના નર્મદ, દલપત, અને ગોવર્ધનરામથી; તેના દાદાભાઈ, દયાનંદ અને ભોળાનાથથી.

નવીન વાતાવરણ આમ સૌને આમંત્રતું, મુગ્ધ કરતું સર્વત્ર વ્યાપક બનતું હતું. અપૂર્વ વિચાર સૌને આંજી દેતા ને વિહ્‌વળ કરતા હતા. તંદ્રા અને સુષુપ્તિ તે જાગૃતિ અને પ્રવૃત્તિને માર્ગ આપતી હતી. અનુકૂળ ક્ષેત્રમાં નવાં વિચાર–બીજો વિકાસ પામી વૃક્ષ રૂપે સુંદર ફૂલ અને ફળની આશા આપતાં હતાં.

આવા નવીન યુગના આરંભે આપણા મૂંગા સેવક મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો દરબાર ગોપાળદાસથી વિખ્યાત બનેલા વસોમાં જન્મ થયો. વડોદરા રાજ્યના પેટલાદ તાલુકાનું આ ગામ નડિઆદથી ૮–૯ માઈલ દૂર છે, અને ગુજરાતના ચરોતર નામે ફળદ્રુપ પ્રદેશમાં આવેલું છે. નડિઆદ જેમ તેની પાટીદાર કોમના દેસાઈ કુળનાં ખાનદાન કુટુંબોથી જાણીતું છે, તેમ વસો પણ તેના અમીનોથી સુવિખ્યાત છે. જો કે આવી દેસાઈગીરી ને અમીનગીરીનો અતિરેક પણ થતો જાય છે, છતાં આ કુટુંબના સંસ્કાર ને ખાનદાની હજુ સારા પ્રમાણમાં ટકી