પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સાહિત્યને ઓવારેથી
 


ચરોતરના અસંખ્ય બાળવિદ્યાર્થીઓ ઉપર ગાંધીયુગના આરંભે શ્રી. અમીનની સેવાભાવના કોઈ અકલ્પ્ય ને અનુપમ વાતાવરણ જમાવતી હતી. આ કર્મવીરે કેળવણી ખાતાના ગ્રેજ્યુએટ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો, ને શિક્ષણના પ્રદેશે આ ઉત્સાહી યુવકને સ્વાભાવિક રીતે જ છાત્રાલય ને પુસ્તકાલયમાં પણ રસ લેતા કર્યા. પેટલાદનું બોર્ડિંગ હાઉસ ને પુસ્તકાલય આજે પણ શ્રી. અમીન સાહેબનું કેટલુંયે ઋણી છે. નોકરીને તેમણે કોઈ દિવસ ન માની રસવિહીન વેઠ કે ન દીઠો તેમાં શુષ્ક કર્તવ્યભાર; ને તેથી જ નોકરીનાં બંધન તેમને કોઈ દિવસ ન અટકાવી શક્યાં, કે ન મુંઝવી શક્યાં. નોકરીના શોખે તેમને કદીયે આળસુ ને આરામપ્રિય ન બનાવ્યા, ને નોકરીની સત્તાએ તેમને કદી તોછડા કે તુંડમિજાજી ન કર્યા. પુસ્તકાલયના અધિકારીપદેથી વડોદરા રાજ્યની નોકરીમાં તેમને જાહેર સેવાના પરમાણુ લાધ્યા, ને લોકોન્નતિનાં દર્શન થયાં. સાદા ને સરળ, નીડર અને નિખાલસ, શાંત અને સત્યપ્રિય, મૂક અને મિતભાષી મોતીભાઈ સાહેબ નોકરી દરમ્યાન અને વર્તમાન નિવૃત્તિસમયે સેવાભાવનામાં ને સેવાકાર્યમાં આજે પણ એકધારી રીતે અટલ અને અવિચળ રહ્યા છે.

વડોદરાના શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબે તેમની રૈયત માટે જે અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ પોતાના આખાય રાજ્યમાં વ્યાપક કરી છે, તેમાંની બે સૌથી પ્રશંસાપાત્ર છે: સમગ્ર રાજ્યમાં વ્યાપક બનેલી (૧) ફરજીઆત કેળવણી, અને (૨) પુસ્તકાલય પ્રવૃતિ. પ્રથમ નિરક્ષરતા નિવારવા માટે આવશ્યક છે, તો બીજી તે પ્રાપ્ત કરેલા અક્ષરજ્ઞાનને ટકાવવા માટે ઉપયોગી છે. શ્રીમંત મહારાજા સાહેબે વડોદરા રાજ્યમાં આવી પુસ્તકાલય પ્રવૃત્તિ