પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સાહિત્યને ઓવારેથી
 


નિયમથી સદ્ધર ને સહીસલામત બનાવ્યાં છે. પુસ્તક–વ્યવસ્થા વિષેના વિચારોએ તેમને આઠ હજાર ને ચાર હજાર પુસ્તકોની કર્તાવારી, નામવારી ને વિષયવારી વર્ગીકરણના નિમિત્ત બનાવ્યા; ને સંપૂર્ણ કાર્યનિષ્ઠાએ તેમને પુસ્તકાલયના સિદ્ધાંતો વિષે, પુસ્તકોના પ્રકાશન વિષે, ને પુસ્તકોની બાંધણી વિષે વિચાર કરતા કર્યા. વડોદરા સરકારની તાલુકા, પ્રાંત અને રાજ્યની, તથા સમગ્ર ગુજરાતની પુસ્તકાલય પરિષદ તે મોતીભાઈ સાહેબની જ વિશાળ યોજના ને અવરિત પ્રયત્નોનું પરિણામ કહી શકાય. તેમને પુસ્તકાલયપ્રવૃત્તિને આ રીતે ગુજરાત ભરમાં વ્યાપક ને આકર્ષક કરવી છે, પુસ્તકોના લેખકોની મુશ્કેલી દૂર કરવી છે, તે પ્રકાશકો તથા ગ્રંથવિક્રેતાઓ (બુકસેલર)ની ચૂસણનીતિ મિટાવવી છે. પુસ્તકાલયની પવિત્ર પ્રવૃત્તિના વિચારોથી જ તેમનું હૃદય જ્યાં ઉભરાતું હોય ત્યાં તેને લગતો કયો પ્રશ્ન અણચિંતવ્યો રહે ? વડોદરાનું પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. આવી ચિંતામાંથી જ ઉદ્‌ભવ્યું છે. આ મંડળ આજે વડોદરા રાજ્યનાં પુસ્તકાલયોની અને લેખક–પ્રકાશકોની પ્રમાણિક ને પ્રશસ્ય સેવા કરી રહ્યું છે; અને અમીન સાહેબ તેમની નિવૃત્તિ પછી તરતજ તેનું પ્રમુખપદ શોભાવી પ્રત્યક્ષ રીતે તેનું સુકાન સંભાળી રહ્યા છે.

વિદ્યાર્થીઓમાં ને વિદ્યાર્થીમાનસમાં શ્રી. મોતીભાઈને અજબ શ્રદ્ધા છે. સ્વજનની જેમ વિદ્યાર્થીઓને તેઓ બોલાવે છે, સ્હાય દે છે, માર્ગ દર્શાવે છે, ને હૈયાના હેતથી નવાજે છે. વિદ્યાર્થીઓ તરફનું વિશિષ્ટ વ્હાલ તેમને વિદ્યાર્થીજીવનના વિવિધ પ્રશ્નોની માર્મિક સમીક્ષા કરવા પ્રેરે છે. છાત્રાલય પ્રવૃત્તિ, ચરોતર વિદ્યાર્થી–સહાયક સહકારી મંડળી લિ., વડોદરા રામજી