પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી મોતીભાઈ અમીન
૧૨૭
 


વિદ્યાર્થીઓને અહિતકર્તા થઈ પડે. છતાં યે શિક્ષક તે પણ મનુષ્ય છે, અને અનાયાસે મનુષ્યસહજ ત્રુટિઓને વશ થાય છે, એ સત્ય તેમની જાણ બહાર નથી. ક્વચિત્‌ ક્રોધના આવેશમાં તે સંયમ વિસરે ને નિર્બળતાને વશ થઈ વિદ્યાર્થીને શિક્ષા કરે એવા વિરલ પ્રસંગોને પણ શ્રી. મોતીભાઈ પોતે કલ્પી શકે છે. મને તેમનો પોતાનો જ અનુભવ જણાવતાં તેમણે કહ્યું કે ‘આવા આવેશમાં કોઈ નિર્બળતાની અધન્ય પળે મેં મારા કુટુંબના બાળકને, ચિ. ભાણાભાઇને જ તમાચ મારી હતી; અને પછી મને ખૂબ પસ્તાવો થયો હતો. ગમે તેવા પ્રતિકૂળ સંયાગોમાં પણ બાળક કે વિદ્યાર્થીને શિક્ષા ન કરવી તે સિદ્ધાંતનું પાલન કેટલું કઠિન છે તે તેમને સ્વાનુભવથી જ સમજાયું છે; અને છતાંય તેઓ આ સિદ્ધાંતને સર્વસ્વીકાર્ય બનાવવા ને પળાવવા પ્રબળ ઈચ્છા ધરાવે છે.

સરકારી નોકર તરીકે શ્રી. મોતીભાઈનું જીવન સ્ફટિક જેવું પારદર્શક અને શરદઋતુના આકાશ જેવું સ્વચ્છ હતું. તેમના વિષે ખટપટ, પક્ષાપક્ષી કે અંગત અપ્રમાણિક લાભને ક્યાંયે સ્થાન જ ન હોય; અને તેથી જ વડોદરા રાજ્યના ઊંચી પાયરીના અમલદારો, નાયબ–દીવાન ને દીવાન સાહેબ, અને ખુદ મહારાજા સાહેબ સુદ્ધાંના તેઓ પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર હતા. સાચી વાતની ફરીઆદ તેઓ ઠેઠ હજુર કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડી શકતા; ને કેળવણીના ક્ષેત્રમાં રાજ્યની ખામીઓ પણ પ્રકાશમાં લાવતા. પ્રજાનું હિત સાધવામાં રાજ્યનાં શાસનોની આંટીઘૂંટીથી ન ડરતાં સરળ માર્ગે કામ કરતા, ને મહારાજા સાહેબનો સ્તુત્ય ઉદ્દેશ પાર પાડતા. ઉદાહરણથી આ વક્તવ્યને હું જરા સ્ફુટ કરી લઉં ?