પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન
૧૨૯
 


આપે છે. વૃદ્ધાવસ્થામાં તેથી તેમની કાર્યવેલી વધુ પાંગરી અને પ્રફુલ્લીને અધિક પરિમળ પ્રસરાવે છે.

નાનકડું ચરોતર, ને તેથી એ નાનું વસો ગામ તેમની માનીતી કર્મભૂમિ છે. કાર્યની મર્યાદા આંકીને તેઓ કેળવણી ને પુસ્તકાલયો ઉપરાંત ખેતીવાડી અને સહકારી મંડળીઓમાં પણ રસ લે છે. ગ્રામજીવનની વિવિધ જરૂરીઆતને પહોંચી વળવા તેઓ તનતોડ પ્રયત્ન કરે છે. ગામડાની સામાજિક બદીઓ દૂર કરવાનો તેઓ બોધ આપે છે, પ્રેતભોજન અને ખર્ચાળ લગ્નપ્રસંગોને નિશ્ચયપૂર્વક નિંદે છે, કેળવણીને ઉત્તેજે છે, ખેતીવાડીનાં મહામૂલ્ય આંકે છે, વેઠને વખોડે છે, ને અમલદારશાહીને ઉવેખે છે. ગ્રામજનોનાં તન મન અને ધન સંબંધી સર્વદેશીય અભ્યુદય વાંછતા આ મૂગા કાર્યકર્તા અનુક્રમે ગામડાંનાં વ્યાયામમંદિરો અને ઔષધાલયો, તેમની કેળવણીસંસ્થાઓ અને પુસ્તકાલયો, તથા તેમની ધર્માદા સંસ્થાઓ અને સહકારી મંડળીઓ માટે અહર્નિશ જાગૃત રહેતા, ઉત્સાહી યુવક સમા આજે પણ સારાયે ચરોતરમાં વિચરવાની હોંશ ધરાવે છે. ‘ગ્રામલક્ષ્મી’ના અશ્વિનની માફક તેમને હૈયે ગામડે ગામડે ગ્રામલક્ષ્મી પધરાવવાના કોડ છે. પ્રખર સેવાભાવના, ચોક્કસ વિચારસરણી ને અદમ્ય ઉત્સાહનો ત્રિવેણીસંગમ તેમને અગ્રગણ્ય લોકસેવકની લાયકાત આપે છે; અને ચરોતર તેથી ખરેખરૂં–ભાષાશાસ્ત્રના કોવિદો ગમે તે કહે–ચારુતર બને છે. મહી અને વાત્રક નદી વચ્ચેનો આ પ્રદેશ જેમ તેના સંતસાધુઓથી ઊજળો છે, અને તેના સંસ્કારવાંછુ સજ્જનથી સહામણો છે, તેમજ તેના પ્રગતિપ્રિય કાર્યકર્તાઓથી તે કીર્તિવંતો છે.

રાજસેવક અને લોકસેવક બનતા અમીન સાહેબના