પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સાહિત્યને ઓવારેથી
 


ઉપર ઊભા રહેનાર મૂગા દ્વારરક્ષક પણ અન્ય કોઈ જેટલી જ ગુપ્ત રીતે કીમતી સેવા કરે છે. દ્વારપાળ તરીકે પણ તેમણે એકનિષ્ઠાથી જ પોતાનું કાર્ય બજાવ્યું છે. આંગ્લકવિ મિલ્ટન તો કહે છે કે, પોતાના કર્તવ્યની રાહ જોતા ઉભા રહેનાર નોકર પણ માલીકની જ સેવા બજાવે છે. (‘They also serve who only stand and wait’) તો પછી અમીન સાહેબ જેવા ચકોર ને કાર્યપરાયણ દ્વારપાળ શાને સરસ્વતીના સેવક ન ગણાય ? શિક્ષણના મધ્યબિંદુમાં તેમની પુસ્તકાલય સેવા પણ અંતર્ગત થઈ જાય છે, અને એ મધ્યબિંદુમાંથી જ ત્રિજ્યા સમી તેમની જાહેર પ્રવૃત્તિઓ ઉદ્ભવી છે. આમ ભાવનાએ અને કાર્યે, વિચારથી અને વાણીથી, શ્રી. મોતીભાઈ મુખ્યત્વે તો સરસ્વતીના જ સેવક છે, અને તેને જ આરાધવા મથે છે. તો પછી, સાહિત્યનાં ઊંડાં જળમાં ભલે તે વિહરતા ન હોય, પણ તેના સામા કિનારા ઉપર ઊભા રહીને સૌ સાહિત્યપ્રિય સજ્જનોનું અને સરસ્વતીભક્તોનું તેઓ બશક ધ્યાન ખેંચી રહ્યા છે.

અંતમાં, અમીન સાહેબની સેવાઓ સમગ્ર ગુજરાતમાં વિસ્તરે અને પ્રજાનો સર્વદેશીય અભ્યુદય સાધવામાં કીમતી ફાળો આપે એમ આપણે ઈચ્છીએ. શ્રતિએ પાઠવેલા ‘શરદઃ શતં’ આયુષ્યના આશીર્વાદ ભોગવતા અને સુંદર સ્વાસ્ત્થ્ય માણતા તેઓ આપણી વચ્ચે દીર્ઘકાળ સેવાપરાયણ અને કર્તવ્યપ્રવૃત્ત રહે, તે જ તેમના અપરાધી બનેલા આ લેખકની નમ્ર વિભુવિનંતિ છે. ચિરાયુ રહો ચરોતરના આ માનનીય મોતીભાઈ સાહેબ, ને અમર રહો તેમની જ્વલંત સેવાભાવનાઓ. પુનઃ ઉચ્ચારીએ કે સમગ્ર ગુજરાત તેમનો લાભ લે, અને તેમની સેવાથી એક પગથીઉં ઊંચે ચઢે !*[૧]


  1. મોતીભાઈ અમીનના દુઃખદ અવસાનની અત્ર સખેદ નોંધ લેવામાં આવે છે. –કર્તા (બીજી આવૃત્તિ)