પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સાહિત્યને ઓવારેથી
 

સાહિત્યને ઓવારેથી આજે આપણે એ નરસૈયાની જયંતી ઉજવવા એકઠા થયા છીએ. જન્મે તેટલા બધાયની કાંઈ જયંતી ઉજવાતી નથી. જયશાળી હોય તેની જયંતી ઉજવાય. એ જય તે શસ્ત્રોનો નહિ, પણ શાસ્ત્રોનો; પશુબળનો નહિ, પણ આત્મબળનો. શ્રાદ્ધ જેમ કુટુંબનો–કુલનો પ્રસંગ છે, તેમ જયંતી એ સમગ્ર પ્રજાને ઉત્સવ છે. એવા આત્મબળથી સંસારીઓને જીતનાર એ ભક્તિધન નરવીર નરસિંહની આ કારણે આપણે જયંતી ઉજવવા એકઠા થયા છીએ. સદીઓ ગઈ, ત્હોયે કાળને કાંઠડે અમર નામ મૂકી ગયેલા આ ભક્તજનને તેથી જ આજે આપણે સંભારીએ છીએ.

અને નરસિંહનું સ્થૂલ જીવન તો ઘણાને જાણીતું છે. રખડતો અને દરકાર વગરનો એ દિયેર ભાભીના મ્હેણાથી શિવપૂજક બને છે, રાસદૃષ્ટા થાય છે, અને દીવેટીઓ કહેવડાવે છે. પછી તે કપાળમાં તિલક, પગમાં ઘૂઘરા, કંઠે તુલસીની માળા અને કરમાં કરતાળ સાથે કીર્તન કરતો, ક્વચિત્ થેઇ થેઈ નાચ કરતો, ક્વચિત્ રાસ ખેલતો, એ નરસૈયો પોતાનું પુરુષપણું ભૂલી ભગવાનને ગોપીભાવે ભજે છે, કૈં કૈં અકલ્પ્ય વિહારો માણે છે, ને અકથ્ય આનંદ અનુભવે છે. તેમ કરતાં તે નાતીલાઓનો તિરસ્કાર ભોગવે છે, અને જડ સંસારીઓના અસહ્ય ઉપહાસ ખમે છે. પણ નરસિંહ તેની ધૂન અને તેના દીનાનાથ ગોપીવલ્લભને કેમ તજે? તે તો તેના હૃદ્‌ગત ભાવોને શબ્દદેહ આપે છે, કવિ થાય છે, અને મસ્ત ગોપી બની અમરવાણીનો વારસો પાછળ મૂકતો જાય છે. જુવાનીનો જુસ્સો શમતાં તે સૂક્ષ્મ સ્નેહ તરફ વળે છે, ‘વાચ કાચ્છ’ ના સંયમ વડે સાચો વૈષ્ણવ બને છે, અને સમગ્ર જગત સાથે એકતા અનુભવે છે.