પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસિંહ મહેતો: આદિ ભક્તકવિ
૧૩૭
 

જીવનમાં તે અનેક પ્રસંગોએ દીન બની દીનાનાથને યાચે છે, અને તેની સ્હાયનો અધિકારી બને છે. શામળશાનો વિવાહ, શ્રાદ્ધ, હુંડી, મામેરૂં, હારમાળા: આ બધાય તેના જીવનના ધન્ય પ્રસંગો મનાયા. તેથી કાળબળે દૈવી બનેલા પ્રસંગો વડે લોકોની દંતકથાએ નરસૈયાને દેવ જેવો બનાવ્યો છે, અને ભક્તજનોના પૂજ્યભાવે તેને અલૌકિક માન્યો છે.

મહેતાનો યૌવનમસ્ત સ્થૂલ પ્રેમ આપણને ચાતુરી ષોડશી, ચાતુરી છત્રીસી, શૃંગારમાળા, ગોવિંદગમન અને સુરતસંગ્રામ નામે કૃતિઓ આપે છે. તેની સંયમયુક્ત, સૂક્ષ્મ સ્નેહથી રંગાયેલી ઉત્તરાવસ્થાની ભક્તિ શામળશાનો વિવાહ, હૂંડી તથા અસંખ્ય પદો વગેરેનો પાછળ વારસો મૂકી જાય છે. તેના જીવનના પ્રસંગોને નિરખવાથી તેણે કવેલા ભાવોના કેટલાયે કૂટ પ્રશ્નો આપણને આપોઆપ ઉકલી જાય છે. આ ભક્તજન તેની સરળ, પ્રવાહી ને ભાવપૂર્ણ ભાષામાં તેના મનોરથો વ્યક્ત કરે છે. તેની વાણી મીરાં જેટલી સંગીતમય નથી, દયારામ જેટલી લલિત નથી; અખા જેટલી દુર્બોધ નથી; પણ તેમાં ભક્તિની નૈસર્ગિક ભરતી અને ઊર્મિના ઉછાળા છે, તથા ક્વચિત્ તેમાં તત્ત્વજ્ઞનું ગૂઢ ચિન્તન પણ છે.

હિંદી અને મરાઠી સાહિત્યના તુલસીદાસ, બિહારીદાસ અને નામદેવ જેવા ભક્ત કવિઓની હારમાં ઉભા રહે તેવો આ નરસૈયો તેના જીવનકાળ પછી હિંદભરમાં મશહૂર થયો છે. ગુજરાતના રાજકીય રીતે અસ્થિર અને અશાંત વાતાવરણમાં જન્મેલો હોઇને તે ભક્તિ તરફ વળ્યો, ભજન ગાતાં ગાતાં ક્રાન્તદર્શી કવિ થયો, અને અજાણતાં માનીતો સરસ્વતીપુત્ર બન્યો.