પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસિંંહ મહેતો: આદિ ભક્તકવિ
૧૩૯
 

અને તત્વજ્ઞ તેમાં મહારૂપક નિરખે. શ્રી. નરસિંહરાવભાઈ કહે છે તેમ સંજયને મળેલાં દિવ્ય ચક્ષુનો આ દીનભક્તે પોતાના કાવ્યોમાં એકરાર કર્યો છે, અને તેના ચમત્કારયુક્ત જીવનપ્રસંગોને આ સરસ રીતિએ આપણે ઘટાવી શકીએ છીએ.

ગુજરાતી કાવ્યસાહિત્યના ‘ચોસર’ મનાતા આ ભક્તકવિ વિશે શું કહેવું અને કેટલું કહેવું ? તેની સમભાવ દૃષ્ટિ, સ્વમાનશીલ સ્વભાવ, અપરિગ્રહ વ્રત, તેની નિઃસીમ નીડરતા અને ધાર્મિક નમ્રતાઃ આ બધાએ તેના જીવનને સવિશેષ ધન્ય કર્યું છે. તેણે નાગરોની જ્ઞાતિ ખોઈ, સંસારીઓનું જડ જગત ગુમાવી, કાલાંત સુધી વૈષ્વોના જગતની એક નાત બનાવી; અને દિવ્ય ધામનાં દર્શન અનુભવતાં તેણે જગતઘેલાંની જડતાનું પ્રબળ ભક્તિ વડે પ્રાયશ્ચિત્ત કર્યું.

ગુજરાતી સાહિત્યમાં નરસૈયાએ અનેક કવિઓને તથા ભક્તોને પ્રેર્યા છે, કે ઉપકારવશ કર્યા છે, જેમકે વિશ્વનાથ જાનીને, પ્રેમાનંદ ને દયારામ, દલપતરામ અને નર્મદને, મનસુખરામભાઈને, અને છેલ્લામાં છેલ્લા શ્રી. નાનાલાલ, ખબરદાર, લલિતજી અને ગાંધીજીને. શ્રી. મુનશીના શબ્દોમાં નરસિંહ મહેતા અનંત ઓચ્છવ કરતા ગુજરાતી સાહિત્ય અને જીવનને માટે સદીઓની પ્રેરણા અને મઘમધતી સંસ્કારસૌરભ મૂકતા જાય છે. તેણે જીવનને ધન્ય કર્યું; ને અન્યનાં–વિરોધીઓનાંયે સુદ્ધાંનાં જીવન તે ધન્ય બનાવતો ગયો. જીવતાં તેની કદર ન થઈ. બધાએ વિભૂતિવંતાઓને એમ જ થયું છે ને? અને તેથી જ તે આજે આપણે અનેકગણી પૂજા અને પ્રશંસાનું પાત્ર બન્યો છે.

ઐતિહાસિક દૃષ્ટિની ઉણપે નરસિંહ મહેતાને વધુ ગૂઢ બનાવ્યો છે. ભાષા અને દસ્તાવેજોના સાધનથી, ગુર્જર સાહિત્યની