પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સાહિત્યને ઓવારેથી
 

વેપારીઓ, બ્રાહ્મણ અને ક્ષત્રિય પોતપોતાની આજીવિકાનો ધંધો સંભાળી સંતોષ માનતા થયા. આમ ક્ષાત્રતેજ ક્ષીણ થતાં સૌરાષ્ટ્ર પણ વીરભૂમિ મટી વૈશ્યભૂમિ બન્યો. રણક્ષેત્રોનું સ્થાન મંદિરો અને ચોતરાઓએ લેવું શરૂ કર્યું, તલવાર ને ભાલાઓની વતી મૃદંગ, મંજીરા ને ભાલા દેખાયાં; અને સમરભૂમિની વિજયહાકનું સ્થાન ઈશ્વરની નમ્રભાવે ઉપાસના દાખવતાં ભજનની સૂરાવટે લીધું. ધાર્મિક વલણ એ એક જ લોકજીવનનું પ્રેરક અને શાંતિદાયક તત્ત્વ મનાયું.

પ્રાચીન ક્રાન્તદર્શી ઋષિઓએ પ્રકૃતિ અને માનવજીવનની સુંદર સમીક્ષા કરતાં કરતાં વેદની ઋચાઓ સરજી; ગુજરાતના સંતો અને ધર્મવીરોએ પણ તેવી રીતે આત્મૈક્ય મેળવતાં ગુજરાતી કાવ્યસ્રોતને વહેતો મૂક્યો છે. આ સ્થિતિમાં ધાર્મિકતા અને કવિતા વચ્ચે ગાઢ સહીપણાં બંધાયાં.

નરસૈયો થઈ ગયો, ત્યારે ઉપરના સંયોગોજ પ્રવર્તતા હતા. સામાન્ય જનતા જ્યારે ધર્મ અને ધન તરફ, દેવ અને દુકાન તરફ જ ધ્યાન આપતી હતી, ત્યારે આ ભક્તજને સંસ્કારબળે ને પ્રભુકૃપાએ દુનિયાની મહત્તાને ઉવેખતો આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. જગતની જંજાળ ને પોલી કીર્તિ તેને આકર્ષી શકી નહિ. રાજસત્તા કે ધર્મસતા પણ તેને ડરાવી શકી નહિ. સંસારનાં પાખંડને તુચ્છકારતો, વિચાર અને આચારની એકતા સાધતો, હૈયે તે જ હોઠેથી વ્યક્ત કરતો આ વૈષ્ણવ અનેક તિરસ્કાર વ્હોરે છે, અને જ્ઞાતિજનોનો ઉપહાસ ઝીલે છે. તેનું સમગ્ર જીવન એવી તે ઉજ્જ્વળ ને પાવન ભાવનાઓથી રંગાઈ ગયું કે તેણે આખાયે માનવકુળને કુટુંબવત્ કલ્પ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર વચ્ચેનાં, સવર્ણો અને અંત્યજો વચ્ચેનાં