પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસૈયો: સાહિત્ય અને સંશોધનની નજરે
૧૪૫
 


અમાપ અંતર તેણે વિશ્વ–ઐક્યની ભાવનાથી ઓળંગી દીધાં. માનવ અને માનવના તથા પુરુષ અને સ્ત્રીના સર્વ ભેદ તેના લોકોત્તર આત્માને દૂર થયેલા લાગ્યા. અંતરની આવી પ્રબળ ઊર્મિઓને તેણે વાચા અર્પી સ્વયંભૂ ભાવોને તેણે શબ્દદેહ દીધા. આમ ધર્મમાંથી ઉદ્‌ભવતા કાવ્યોસ્રોતને વેગભરી રીતે વહેવરાવીને તેને સર્વની દૃષ્ટિમર્યાદામાં લાવવાનું નરસૈયો નિમિત્ત બન્યો. ત્યારથી સૈકાઓ સુધી આપણું ગુર્જર કાવ્યસાહિત્ય ધાર્મિકતાને જ પારણે ઝૂલતું મોટું થયું છે.

નરસૈયાએ પદ, ભજન અને પ્રભાતીયાં રચ્યાં છે એટલું જ નહિ, પણ સુરતસંગ્રામ, સામળદાસનો વિવાહ, ને સુદામાચરિત્ર જેવાં પરલક્ષી આખ્યાનો પણ સર્જ્યાં છે. આટલા પ્રાચીન સમયથી આપણાં આત્મલક્ષી અને પરલક્ષી કાવ્યોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નરસિંહ મહેતાને મન કાવ્ય એ કાંઈ ફુરસદની પળે પ્રાપ્ત થતું આનંદનું સાધન નહોતું. કવિતા તો તેને મન ન હતી વાણીનો વિલાસ કે શબ્દનાં જાદુ. જે પ્રોજ્જ્વળ અને પાવન ભાવનાઓ તણે વર્ષો સુધી હૃદયમાં સિંચી અને સાચવી, તે જ ભાવનાઓ અંતે શબ્દદેહે પ્રકટ થઈ.

તેના જીવન તથા કવનની વધુ પ્રમાણભૂત વિગતો પ્રાપ્ત કરવાના પ્રયત્નો બહુ આશાસ્પદ તો નથી જ લાગતો. તળ જૂનાગઢમાંય જ્યારે તે માટેનાં સ્વલ્પ સાધનો પણ સુલભ નથી, ત્યારે જૂનાગઢ બહારના જાણીતા વિવેચકો નરસૈયા ઉપર પ્રકાશ નાખવાની હરિફાઈ માંડી રહ્યા છે. તેથી આપણે આપણા પ્રયત્નોની પરિસીમા અને સંશોધનની શક્યતા આજે વિવિધ દૃષ્ટિએ વિચારી જોઈએ.