પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સાહિત્યને ઓવારેથી
 


(૧) ભાષાઃ નરસિંહ મહેતાના સમયમાં કઈ ભાષા પ્રચલિત હતી? ભાષાશાસ્ત્રીઓ તો ભાખે છે કે પંદરમા શતકની ભાષા વર્તમાન ગુજરાતીથી ભિન્ન હતી, અને તે જૂની ગુજરાતીને નામે ઓળખાતી; વિશેષમાં આ મતને આધારે આપણે માનવું પડે છે કે નરસિંહ મહેતાનાં કાવ્યો બહુ લોકપ્રિય નિવડવાથી લોકોની સ્મૃતિમાં સચવાઈ રહ્યાં, અને તેથી અંતરે અંતરે તે કાવ્યોની ભાષા આધુનિક સ્વરૂપ પામતી ગઈ. હાલની બંને બાજુઓ તપાસવા જૂનાગઢ કે કાઠિયાવાડના બીજા કોઈ સ્થળેથી જો અન્ય કોઈ પુસ્તકો કે લેખો પંદરમા સૈકાનાં મળી આવે તો આ બાબત વિષે વધુ ચોક્કસ અનુમાન થઈ શકે; કારણ કે શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના મત પ્રમાણે તો કાઠિઆવાડની ૧૫ મી સદીની ભાષા તે ગુજરાતમાં ૧૮મી સદીના આરંભમાં જોવામાં આવે છે.

(૨) સાહિત્યકૃતિઓ: નરસિંહ મહેતાના સમકાલીન કવિઓ કે તેના પછી એક કે બે સૈકાં મોડા થઈ ગયેલા કવિઓ કે લેખકો નરસિંહ મહેતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે ખરા ? જૂનાગઢના શ્રીધર કે સોમનાથ પાટણના કેશવરામ નરસિંહ મહેતા વિષે મૌન સેવે તો તે અનેક રીતે ઘટાવી શકાય. નરસૈયાનો સ્પષ્ટ ઉલ્લેખ આપણને નાકરના સમયથી નિઃશંક મળી આવે છે. વળી, ગુજરાતી સાહિત્યની કૃતિઓ ઉપરાંત સંસ્કૃત કે હિંદીમાં લખાયલા ગ્રંથમાં નરસિંહ મહેતા વિષે જે કાંઈ સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે તેને બરાબર શોધીને શંકારહિત પુરાવાના સ્વરૂપે રજુ કરવો જોઈએ.

(૩) શિલાલેખો અને દસ્તાવેજો: નરસિંહ મહેતા વિષે શિલાલેખો કે દસ્તાવેજો જે કાંઈ અંગુલીનિર્દેશ કરી શકતા