પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સાહિત્યને ઓવારેથી
 


કોઈ ઉલ્લેખ, ભાષાનો કે નરસિંહ મહેતાનો મળી આવે તો ઘણી કીમતી મદદ મળે.

(૫) મંદિરો અને રાજ્ય દફતર: અહીં સ્વામીનારાયણનાં, વૈષ્ણવોનાં તથા જૈનોનાં પણ પ્રખ્યાત ધાર્મિક ધામો છે. આ બધા ધર્મ કે પંથનાં મંદિરોના પુસ્તકભંડારમાંથી આ વિષે કાંઈ સામગ્રી મળી આવે તેવો સંભવ ખરો. આ પુસ્તકભંડારો જો સુલભ થાય અને તેમનું બારીક અવલોકન થાય; તો તે પ્રયાસ છેક નિષ્ફળ તો ન જ જાય. અલબત, આવા પ્રયત્નો છેક સાદા ને સરળ નથી, પણ શ્રમભર્યા અને કાળક્ષેપ કરાવનારા નિવડે તેમ છે. રાજ્યનાં દફતરો, કહેવાય છે કે, સં. ૧૯૨૦ પછીથી જ સંગ્રહ રૂપે સુલભ થાય તેમ છે. ‘વોકર સંધિ’ પહેલાંનાં દફતરો જો મળી આવે તો જ આપણા પ્રસ્તુત પ્રશ્નને ઉપયોગી નિવડી શકે.

(૬) સ્થળનિર્દેશક (Topographical) પુરાવો: શ્રી. નરસિંહ મહેતાનો ચોરો, નાગરવાડાનું રણછોડજીનું મંદિર અને દામોદરકુંડ ઉપરનું વૈષ્ણવ મંદિર બહુ પ્રાચીન સ્થળો લેખાય છે. શિલાલેખ નહિ, તો છેવટે મકાનોની બાંધણી, કોતરકામની નક્શી અને સમગ્ર ઈમારતકલા તથા તેની આજુબાજુના સ્થળની પ્રાચીનતા ઉપરથીયે જો જાહેર બાંધકામના વિશારદો કોઈ સવિશેષ સત્યો તારવી શકે છે તો તે પ્રયત્નો મહામૂલ્યવાન થઈ પડે. પણ પ્રથમ તો પ્રશ્ન એ છે કે આ બધાં સ્થળો તેવા વિશારદોના ખાસ પ્રયત્નોને પાત્ર છે કે કેમ ?

આ વિવિધ પુરાવા મેળવવા તે કાંઈ એક બે વ્યક્તિથી ના બની શકે. ગયા વર્ષેજ પુનરુજ્જીવન પામેલી અહીંની