પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરસૈયો: સાહિત્ય અને સંશોધનની નજરે
૧૪૯
 

પુરાતત્ત્વ સંસદ (Archeological Society) જો ધારે તો આ દિશામાં ઘણું કીમતી કાર્ય કરી શકે. આશા છે કે આ મહેચ્છા વ્હેલી મોડી પણ વણમ્હોરી તો નહિજ રહે.

ટુંકમાં, નરસૈયાએ પણ, લોકૈષણા, પુત્રૈષણા ને વિત્તૈષણાથી પર થઈ ઉપનિષદે ગાયેલી વિશ્વબંધુત્વની ભાવના કેળવી અને પરમાત્મા સાથેની એકતા અનુભવી. પહેલાં કહ્યું છે એમ પ્રાચીનતા પરત્વે તો ઇતિહાસવિદોને અને સંશોધકોનેય પડકાર દે તેવું આ પુરાતન શહેર છે. પોતાના પગતળેની ભૂમિમાં થઈ ગયેલા ભક્તકવિ અને સંતશિરોમણિ સાચા વૈષ્ણવ નરસૈયાનાં વર્ચ્‌સ અને જીવનસામગ્રીને વધુ પ્રકાશમાં લાવવાના જો કંઈ જૂનાગઢી પ્રયત્ન કરશે તો તે જૂનાગઢને તેથી વધુ જાણીતું કરશે, અને ગુજરાતી સાહિત્યની વધુ સેવા બજાવશે. આ નમ્ર અને વિનયી ભક્તજનના જીવન ઉપર જામી ગયેલા અંધકારનાં પડ ક્યારે દૂર થશે ? ‘કાળ અમાપ છે,’ અને ‘વસુંધરા બહુરત્ના છે.’ તો આ વંધ્ય લાગતી આશા કોઈક દિવસે ય ફળવંતી થશે ને ? આજે તો ગુજરાતી કાવ્યસાહિત્યના આ આદ્ય ભક્તકવિને આપણે માનભરી અંજલિ અપીને જ કૃતકૃત્ય થઈએ.❋[૧]


  1. ❋બહાઉદ્દીન કોલેજની ગુજરાતી સાહિત્ય સભા તરફથી તા. ૪–૧૨–૩૫ ના રોજ પ્રિન્સિપાલ ઝુહુરૂદ્દીન અહમદના પ્રમુખપદે ઉજવાયેલી નરસિંહ મહેતાની જયંતીપ્રસંગે આ ભાષણમાંના કેટલાક મુદ્દાઓ વાંચવામાં આવ્યા હતા.—કર્તા.