પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો
૧૫૧
 

તે માટે વિવેચકની કડક ન્યાયવૃત્તિ કરતાં પ્રશંસકની ગુણગ્રાહક દૃષ્ટિ વધુ જરૂરી છે. તેથી જ તેની ઉધાર બાજુ ઉવેખીને આ યુગપુરુષે ગુજરાતને આપેલા વારસાનો જ સ્હેજ વિચાર કરી હું સંતોષ માનીશ.

ગૃહસ્થો, આભનાં જળ ખોબામાં સમાય તો આ ઝળહળતા નર્મદનાં તેજ થોડી મિનિટના નાનકડા ભાષણમાં ઝીલાય. આતો એક ગગનવિહારી પુરુષને સ્પર્શવાનો વ્હેંતીયાનો ક્ષુદ્ર પ્રયત્ન છે.

કવિ નર્મદનો જન્મ ઇ. સ. ૧૮૩૩માં, એટલે ઇસવી ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં. પણ આ યુગદૃષ્ટાની સર્વ શક્તિઓ પાંગરી ને પ્રફુલી તો તે સૈકાના ઉત્તરાર્ધમાં. પૂર્વાર્ધમાં ત્યારે ભારતવર્ષમાં પ્રાચીનતાનાં તેજ ઓસરતાં હતાં, ને પાશ્ચાત્ય સંસ્કૃતિ કીડીના વેગે તેની મોહક પગલીઓ પાડતી હતી. ઈંગ્રેજી રાજ્ય સ્થપાયું તેટલું સ્થિર થતું હતું, ને જીતીને જમાવટ કરતું હતું. ત્યારે લોર્ડ વિલિયમ બેન્ટિકનો સુધારો ભારત પ્રજાને નવાં જાદુ આંજતો હતો. જૂની માન્યતાઓ ને પ્રાચીન પ્રણાલિકાઓ પદભ્રષ્ટ થઈને પશ્ચિમના રંગવાળી નવી રાજ્યપદ્ધતિઓ અને નવા વિચારોને માર્ગ આપતી હતી. અંગ્રેજોની રાજ્યપદ્ધતિ ત્યારે શાંતિ ને સ્થિરતાના હેતુએ અનુકરણીય ને આદરપાત્ર ગણાતી. જનસમાજ તેનાં સૈકા-જૂનાં અનિષ્ઠોથી પીડાઈ વધુ ને વધુ નિર્માલ્ય બનતો હતો. સાહિત્યના આકાશમાં ત્યારે માત્ર દયારામ એકલો જ સર્વને આકર્ષતો ઝળહળતો હતો. ધર્મના પ્રદેશમાં વલ્લભ ને સ્વામીનારાયણના સંપ્રદાયો પોતાની આણ વર્તાવવા ભગીરથ પ્રયત્નો કરતા હતા. કવિ નર્મદના જન્મ વખતે ગુજરાતની આ સ્થિતિ હતી.